
ઇરાનમાં બોંબ ફેંકવાથી ૧૫૦થી વધુ લોકોના મોત થવાની જાણ થતાં મેં હુમલો નહીં કરવાનો નિર્ણય લીધો : ટ્રમ્પ
વોશિંગ્ટન, તા.21 જૂન, 2019, શુક્રવાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૩ કરોડ ડોલરના માનવરહિત અમેરિકન જાસૂસી ડ્રોનને તોડી પાડવામાં આવ્યા પછી ઇરાન પર સૈન્ય હુમલો કરવાની મંજૂરી આપી હતી પણ હુમલો કરતા પહેલા જ આ નિર્ણય બદલી નાખીને હુમલો અટકાવી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ટ્રમ્પે જણાવ્યું છે કે તે ઇરાન પર બોંબ ફેંકવામાં ઉતાવળ કરશે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું છે કે અમેરિકન ડ્રોન તોડી પાડવામાં આવ્યા પછી અમેરિકન સેના હુમલો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે પણ મોટી જાનહાનિ ટાળવા માટે અંતિમ ઘડીએ હુમલોે અટકાવી દેવામાં આવ્યો હતો.
ટ્રમ્પે જણાવ્યું હતું કે દસ મિનિટ પહેલા જ મેં હુમલો રોકવાનો આદેશ આપ્યો હતો. મને જાણ કરવામાં આવી હતી કે આ હુમલાથી ઇરાનમાં ૧૫૦ લોકોના મોત થવાની શક્યતા હતી. પેન્ટાગોને ઇરાનમાં ત્રણ સ્થળોએ બોંબ ફેંકવાની યોજના બનાવી હતી.
આ દરમિયાન અમેરિકાએ ઇરાનને જણાવ્યું છે કે તેણે અમેરિકન સૈન્ય સાથે રાજદ્રારી કરવાને બદલે અમેરિકા રાજદ્વારીઓ રાજદ્રારી કરવી જોઇએ.
અમેરિકાના અગ્રણી ન્યૂઝ પેપરના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં રડાર અને મિસાઇલ બેટરી જેવા કેટલાક સ્થળો પર હુમલો કરવાની મંજૂરી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલો શુક્રવારે સૂર્યોદયની પહેલા કરવાની યોજના બનાવવામાં આવી હતી જેથી ઇરાની સેના અને લોકોને ઓછામાં ઓછુ નુકસાન થાય.
અમેરિકાના મીડિયાએ અમેરિકાની સેનાના અધિકારીના સંદર્ભથી જણાવ્યું છે કે વિમાન હવામાં હતાં અને જહાજ સમુદ્રમાં પોઝિશન લઇ લીધી હતી. જો કે પછી અચાનક કોઇ મિસાઇલ નહીં છોેડવાનો આદેશ આપવામાં આવતા હુમલો અટકાવી દેવામાં આવ્યો હતોે.
આવી રીતે અચાનક હુમલો રોકી દેવામાં આવતા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મધ્ય પૂર્વના સ્થળો પર થનારો ત્રીજો હુમલો ટળી ગયો હતો. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૭ અને ૨૦૧૮માં સીરિયામાં હુમલા કરી ચૂક્યા છે.
જો કે હવે સ્પષ્ટ થતું નથી કે અમેરિકા નજીકના ભવિષ્યમાં ઇરાન પર હુમલોે કરશે કે નહીં. આ હુમલો ક્યા કારણોસર રોકી દેવામાં આવ્યો તે જાણી શકાયું નથી. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે જણાવ્યું હતું કે ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડીને મોટી ભૂલ કરી છે.
ઈરાન-અમેરિકા : જંગની તૈયારી વચ્ચે કોણ કોના પક્ષે?
અમદાવાદ, તા.21 જૂન, 2019, શુક્રવાર
ઈરાન અને અમેરિકા વચ્ચે માથાકૂટ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઈરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડયા પછી હવે અમેરિકા શાંત નહીં બેસે એ વાત નક્કી છે. અલબત્ત, હાલ અમેરિકાએ શાંતિ રાખી છે. પરંતુ અમેરિકી પ્રમુખ ટ્રમ્પનો સ્વભાવ જોતાં એ શાંતિ ક્યાં સુધી જળવાઈ રહેશે એ કહી શકાય એમ નથી. દરમિયાન વિવિધ પક્ષકારોએ આ અંગે પોતાનો મત રજૂ કરવાની શરૂઆત કરી દીધી છે.
રાષ્ટ્રસંઘ
સંયુક્ત રાષ્ટ્રસંઘનું તો કામ જ કોઈ દેશો વચ્ચે યુદ્ધ ન થાય એ જોવાનું છે. માટે રાષ્ટ્રસંઘે બન્ને પક્ષોને શાંતિથી આગળ વધવા સલાહ આપી છે. રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલે એવુ પણ કહ્યું છે કે બન્ને દેશો વચ્ચે કોઈ મોટી માથાકૂટ થાય એ અત્યારે પોસાય એમ નથી.
રશિયા
રશિયાએ અગાઉ પણ સ્પષ્ટતા કરી છે કે અમેરિકા કારણ વગર ઈરાનને ઉકસાવીને યુદ્ધની સ્થિતિ સર્જી રહ્યું છે. અત્યારે જોકે રશિયાએ બન્ને પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. રશિયાના નાયબ વડા પ્રધાન સર્ગેઈ રીબકોવે શુક્રવારે કહ્યું હતું કે ઈરાનને જોઈએ એ બધી મદદ કરવા રશિયા તૈયાર છે.
યુરોપિયન સંઘ
યુરોપિયન સંઘના વડા ડોનાલ્ડ ટસ્કે કહ્યું હતું કે અત્યારે બન્ને પક્ષોએ શાંતિ રાખવી જોઈએ. અગાઉ જોકે યુરોપિયન યુનિયનના વિદેશનીતિ અધિકારી ફ્રેડરિકાએ આ સ્થિત માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું.
બ્રિટન
દરેક યુદ્ધમાં બ્રિટન અમેરિકાની સાથે રહ્યું છે. આ વખતે પણ બ્રિટને અમેરિકા સાથે અને ઈરાન સામે હોવાનો સંકેત આપી દીધો છે. બ્રિટને કહ્યું હતું કે ઈરાનની આતંકવાદને સમર્થન આપવાની અને પરમાણુ પ્રવૃત્તિ ચલાવી ન લઈ શકાય.
ફ્રાન્સ
ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોને કહ્યું હતુ કે અમે અગાઉ પણ ઈરાનને સમજાવ્યું છે પરમાણુ પ્રવૃત્તિ પર નિયંત્રણ મુકો. ફ્રાન્સે સ્પષ્ટ રીતે કોઈનો પક્ષ નથી લીધો પરંતુ ઈરાનની પરમાણુ પ્રવૃત્તિથી ફ્રાન્સ નારાજ જરૂર છે.
જર્મની
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલે પણ અમેરિકાને જ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે યુદ્ધ ટાળી શકાય એ માટે ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા પ્રયાસો કર્યા છે. એ પછી પણ સંઘર્ષ થાય તો એ સ્થિતિ કોઈ પક્ષ માટે ઈચ્છનીય નથી.
સાઉદી અરબ
આરબ રાષ્ટ્ર સાઉદી અરબ ઈરાનના પક્ષે નથી. તેમણે ઈરાન આતંકી પ્રવૃત્તિ કરતું હોવાનો આક્ષેપ કરી અમેરિકાની પડખે ઉભા રહેવાનું પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.
ઇરાનના બ્રિગેડિયર જનરલનું નિવેદન
અમેરિકન ડ્રોન તોડતા પહેલા અમે બે વખત ચેતવણી આપી હતી : ઇરાન
ડ્રોન અમારી સરહદમાં ઘૂસ્યુ હોવાના અમારી પાસે નક્કર પુરાવા : ઇરાન
અમે અમેરિકન ડ્રોન તોડતા પહેલા બે વખત ચેતવણી આપી હતી. ઇરાનના બ્રિગેડિયર જનરલ આમીરઅલીએ ઇરાનાના સરકરી ટેલિવિઝન પર જણાવ્યું હતું કે ડ્રોેન અમારી સરહદમાં ઘૂસ્યું હોવાના અમારી પાસે પૂરતા પુરાવા છે.
બે વખત ચેતવણી આપ્યા પછી જ્યારે ડ્રોન ઇરાનની સરહદમાં ઘૂસતા અમને તેને તોડી પાડવાની ફરજ પડી હતી.
આ દરમિયાન ઇરાનના નાયબ વિદેશ પ્રધાન અબ્બાસ અરઘચીએ સ્વીસના રાજદૂતને જણાવ્યું હતું કે ડ્રોેન અમારી સરહદમાં ઘૂસ્યું હોવાના પૂરતા પ્રમાણમાં પુરાવાઓ છે.
ઇરાને વધુમાં જણાવ્યું હતું કે તે ઇચ્છતું નથી કે યુદ્ધ થાય. અમે ઇચ્છીએ છીએ કે અમારા દેશમાં અને આસપાસના વિસ્તારોમાં શાંતિ જળવાઇ રહે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WUrVmx
via Latest Gujarati News
0 Comments