GSTના ઘટાડાનો લાભ ગ્રાહકને ન પહોંચાડનાર વેપારીને 10 ટકા દંડ થશે


વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની તારીખ 31મી ઓગસ્ટ સુધી લંબાવી આપી

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.21 જૂન, 2019, શુક્રવાર

એન્ટી પ્રોફિટિયરિંગના કાયદાના જોગવાઈ હેઠળ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ જે તે વેપારી કે વ્યક્તિ ગ્રાહક સુધી ૩૦ દિવસમાં જ નહિ પહોંચાડે તો તેને ૧૦ ટકાનો દંડ કરવાની નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે. અત્યારે તેમને મહત્તમ રૂા.૨૫૦૦૦નો જ દંડ કરવામાં આવે છે.

જીએસટી કાઉન્સિલની આજે મળેલી ૩૫મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આમ જીએસટીના દર ઘટયા પછી ચીજવસ્તુઓ ખરેખર ગ્રાહકોને સસ્તી પડે તેની તકેદારી સરકારે રાખવાની દિશામાં કડક પગલું લીધું છે. આ સાથે જ એન્ટિ પ્રોફિટિયરિંગ કમિટિનો કાર્યકાળ બે વર્ષ એટલે કે ૩૦મી જૂન ૨૦૨૧ સુધી લંબાવી આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

નવા નાણાં મંત્રી નિર્મલા સીતારામનના વડપણ હેઠળ જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી. બીજી તરફ જીએસટીનું ૨૦૧૭-૧૮નું વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની તારીખ ૩૦મી ઓગસ્ટ સુધી લંબાવી આપવાનો આજે મળેલી જીએસટી કાઉન્સિલની ૩૫મી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ રિટર્નને જીએસટીઆર-૯ તરીકે ઓળખાવવામાં આવે છે.

તેવી જ રીતે કોમ્પોઝિટના વિકલ્પને પસંદ કરનારા એટલે કે લમસમ ટેક્સ ભરવાનો વિકલ્પ પસંદ કરનારા વેપારીઓને જીએસટીઆર-૯એ ફાઈલ કરવાની તારીખ પણ ૩૦મી જૂનથી લંબાવીને ૩૦મી ઓગસ્ટ કરી આપવામાં આવી છે. જીએસટીના નવા રિટર્ન ફાઈલ કરવાની સિસ્ટમ જાન્યુઆરી ૨૦૨૦થી પૂર્ણપણે અમલમાં આવી જશે.

તેવી જ રીતે જીએસટીઆર-૯સી એટલે કે ઑડિટના રિપોર્ટ ફાઈલ કરવાની મુદત પણ ૩૦મી જૂનની હતી તે લંબાવીને ૩૦મી ઓગસ્ટ કરી આપવામાં આવી છે. આ જ રીતે જોબવર્ક માટે મોકલાવેલા માલમાંથી કેટલો માલ પરત આવ્યો અને કેટલો માલ વધુ જોબવર્ક માટે અન્ય સ્થળે મોકલાવ્યો હોવાની વિગતો સાથેનો રિપોર્ટ ફાઈલ કરવાની મુદત પણ ૩૧મી ઓગસ્ટ કરી આપવામાં આવી છે. તેને આઈટીસી-૦૪ તરીકે ઓળખાવવામાં આવે છે.

સતત બે મહિના જીએસટીના રિટર્ન ફાઈલ ન કરનારાઓ ઈ-વૅ બિલ જનરેટ કરી શકશે નહિ તેવી વ્યવસ્થા આમ તો ૨૧મી જૂન ૨૦૧૯થી જ લાગુ કરવાનું આયોજન હતું, પરંતુ આ આયોજનના અમલીકરણને પાછું ઠેલી દેવામાં આવ્યું છે. સતત બે રિટર્ન ફાઈલ ન કરનારાઓ આગામી ૨૧મી ઓગસ્ટ પછી ઇ-વૅ બિલ ઓનલાઈન ઇશ્યૂ કરાવી શકશે નહિ.

જીએસટી કાઉન્સિલની ૩૫મી બેઠકની વિગતો સાથેની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે જીએસટી કાઉન્સિલ દ્વારા વેપારીઓને પૂરા પાડવામાં આવનારા સોફ્ટવેર થકી તેઓ ઇ-ઇન્વોઈસ જનરેટ કરી શકશે.

બોગસ બિલિંગના દૂષણને ડામવા માટે આ સિસ્ટમ અમલી બનાવવાનો કાઉન્સિલે નિર્ણય કર્યો છે. પહેલી એપ્રિલ ૨૦૨૦થી આ સિસ્ટમ અમલી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇ-ઇન્વોઈસનો પહેલા જાન્યુઆરીથી પાઈલોટ પ્રોજેક્ટ તરીકે અમલ થશે. વાર્ષિક રૂા.૫૦ કરોડથી વધુ રકમનું ટર્નઓવર ધરાવનારાઓ માટે આ વ્યવસ્થા અમલી બનાવવામાં આવશે.

આ ઈ-ઇન્વોઈસ તૈયાર કરનારા વેપારીઓના ખરીદ વેચાણને લગતા સંપૂર્ણ રિટર્નની વિગતો ઓનલાઈન જ તૈયાર થઈ જશે. તેમને અલગથી રિટર્ન ફાઈલ કરવાની જફા કરવી પડશે નહિ. આ વ્યવસ્થા તબક્કાવાર જીએસટી રિટર્ન ફાઈલ કરનારા વેપારીઓને લાગુ પાડવામાં આવશે. દરેકે વેપારીઓને એક સામટી આ વ્યવસ્થાને અનુસરવાની ફરજ પાડવામાં આવશે નહિ.

વેપારીઓના ટર્નઓવરને આધારે આ નિર્ણય લેવામાં આવશે. ચોક્ક્સ વેરાની મર્યાદાને આધારે આ જોગવાઈ મોટા વેપારીઓ પર લાગુ કરવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે. બિઝનેસ ટુ બિઝનેસ માલની કરવામાં આવતી લે વેચ માટે આ જોગવાઈ લાગુ કરવામાં આવશે. ત્યારબાદ તબક્કા વાર તમામ જીએસટી રજિસ્ટર્ડ વેપારીઓને આ વ્યવસ્થા હેઠળ આવરી લેવામાં આવે તેવી સંભાવના છે. તેને કારણે જીએસટીની ચોરીની સમસ્યાનો પ્રતિકાર કરવામાં પણ ડિપાર્ટમેન્ટને મદદ મળશે.

GSTની એપેલેટ ટ્રિબ્યુનલો પણ બનાવવાનો નિર્ણય લીધો

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે દેશના જુદા જુદા રાજ્યમાં જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલની રચના કરવા અંગે પણ આજની બેઠકમાં નિર્ણય લીધો છે. સિક્કીમ, નાગાલેન્ડ, મણીપુર અને અરુણાચલ પ્રદેશના વેપારીઓ માટે એક જ જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે. આ સિવાયના રાજ્યોમાં અલગ અલગ સ્થળે એપેલેટ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવશે.

GSTના રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડને પુરાવા તરીકે માન્ય રાખશે

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું રજિસ્ટ્રેશન લેવા માટે આધાર કાર્ડને પુરાવા તરીકે માન્ય રાખવાનો નિર્ણય પણ જીએસટી કાઉન્સિલની ૩૫મી બેઠકમાં લેવામાં આવ્યો હોવાનું પીટીઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આધારકાર્ડને પુરાવા તરીકે મૂકીને વેપારીઓ પાસે રજિસ્ટ્રેશન લેવડાવશે તો તેમના દરેક બૅન્કના વહેવારોની વિગતો ડિપાર્ટમેન્ટને ઉપલબ્ધ થશે. તેનાથી વેપારીઓની સંપૂર્ણ કુંડળી કાઢવી ડિપાર્ટમેન્ટ માટે થોડી સરળ બની જશે.

મલ્ટી પ્લેક્સે હવે તમામ ફિલ્મોની ઇ-ટિકિટ જ વેચવી પડશે

મલ્ટી પ્લેક્સ થિયેટરોએ હવે પછીથી તેમની તમામ ટિકીટો ઇ-ટિકીટની સિસ્ટમથી જ વેચવી પડશે. આજના આ નિર્ણય પરથી જણાય છે કે સરકાર ઇ-ટિકીટ સિવાયની ટિકીટને માન્ય ગણશે જ નહિ. તેના થકી રાજ્ય અને કેન્દ્ર સરકારને વેરાની થનારી આવક સીધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરીમાં સીધી જમા થશે. લોટરી પરના જીએસટીના દર અંગે તેમણે એટર્ની જનરલનો મત લેવાનો પણ વિચાર કર્યો છે. અત્યારે સરકાર દ્વારા કાઢવામાં આવતી લોટરી પર ૧૨ ટકા જીએસટી લેવામાં આવે છે. જ્યારે રાજ્ય સરકારે અધિકૃત કરેલી લોટરી પર ૨૮ ટકાના દરે જીએસટી લેવામાં આવીિ રહ્યો છે. લોટરી પરના ટેક્સના દરે હજી બધાં રાજ્ય વચ્ચે એકમતિ સધાઈ નથી.

ઇલેક્ટ્રિક્સ વાહનો પરનો GST ઘટાડવાનો નિર્ણય મુલતવી રખાયો

ઇલેક્ટ્રિસ વાહન પર અત્યારે જે ૧૨ ટકાના દરે જીએસટીની વસૂલી કરવામાં આવે છે તેમાં ઘટાડો કરીને ૫ ટકા કરવાનું આયોજન હતું, પરંતુ જીએસટી કાઉન્સિલની આજની બેઠકમાં આ નિર્ણયલેવાનું મુલતવી રાખવામાં આવ્યું છે. તેને કારણે મહેસૂલી આવક પર પડનારી અસરનો ક્યાસ કાઢીને આખરી નિર્ણય લેવામાં આવશે તેવો નિર્દેશ આપવામાં આવ્યો છે. જીએસટીના સરળીકરણ માટે વધુ પગલાં લેવાનો નિર્દેશ પણ આજની બેઠકમાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને આપ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y64VST
via Latest Gujarati News

Post a Comment

0 Comments