ઢાકા, તા.૩
બાંગ્લાદેશના ક્રિકેટમાં વર્લ્ડકપ પહેલા વિવાદનો વંટોળ શમવાનું નામ લેતો નથી. પહેલા તો ટીમના ફોટોશૂટમાં વાઈસ કેપ્ટન શાકીબ ગેરહાજર રહ્યો હતો. આ પછી બાંગ્લાદેશે લોન્ચ કરેલી વર્લ્ડકપની જર્સીને લઈને પણ ઉગ્ર વિરોધ થયો હતો. જેના પગલે બાંગ્લાદેશને તેની વર્લ્ડકપની જર્સી બદલવાની ફરજ પડી છે. બાંગ્લાદેશના કેટલાક ક્રિકેટ ચાહકોએ તો ટીમની વર્લ્ડ કપની ટીશર્ટ પાકિસ્તાનની ક્રિકેટ કિટ જેવી લાગતી હોવાથી તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. કેટલાક તેમાં રાષ્ટ્રધ્વજના લીલો અને લાલ રંગ જ ઉપયોગમાં લેવાની સલાહ આપી હતી.
ચાહકોની ભારે નારાજગી અને વિરોધ બાદ આખરે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આઇસીસીની પરવાનગી લઈને તેની ક્રિકેટ કિટમાં ફેરફાર કર્યો હતો. અગાઉ લોન્ચ કરવામાં આવેલી બાંગ્લાદેશની વર્લ્ડ કપ કિટમાં માત્ર લીલો અને સફેદ રંગ જ હતા. જ્યારે બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજમાં લીલો અને લાલ રંગ છે.
જર્સી વિવાદ અંગે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના જલાલ યુસુફે જણાવ્યું કે, અમે તો વર્લ્ડકપના ડ્રેસમાં પહેલેથી લીલો અને લાલ રંગ રાખવાના હતા. જોકે, આઇસીસીએ અમને વર્લ્ડકપ કિટમાં લાલ રંગનો ઉપયોગ કરવાની ના પાડી હતી. તે માટે તેમણે કમર્શિયલ કારણો રજુ કર્યા હતા. જોકે ચાહકોના જબરજસ્ત વિરોધ બાદ અમે આઇસીસીની વિનંતી કરી હતી અને તેમણે છૂટ આપતાં અમે જર્સીમાં ફેરફાર કરી દીધો છે.
અગાઉની ડિઝાઈન અનુસાર બાંગ્લાદેશની ટી શર્ટમાં ખેલાડીઓ નામ તેમજ ટીશર્ટ પર બાંગ્લાદેશ શબ્દ લાલ અક્ષરમાં લખવામાં આવ્યો હતો, જેને આઇસીસીએ શરૃઆતમાં માન્યતા આપી નહતી. જોકે હવે બાંગ્લાદેશની ફેરફાર સાથેની નવી કિટ કેવી રહે છે, તે જોવાનું રહેશે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H17v6I
via Latest Gujarati News
0 Comments