ભારતે વર્લ્ડકપમાં ધોનીને ચોથા ક્રમે બેટીંગમાં ઉતારવો જોઈએ : શ્રીકાંત

નવી દિલ્હી,તા.૩

ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને પૂર્વ ચીફ સિલેક્ટર ક્રિશ્નામાચારી શ્રીકાંત માને છે કે, ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપમાં વિકેટકિપર બેટ્સમેન ધોનીને ચોથા ક્રમે બેટીંગમાં ઉતારવો જોઈએ. શ્રીકાંતે કહ્યું કે, ભારત પાસે જ્યારે ધોની જેવો રેડી-મેઈડ વિકલ્પ તૈયાર છે, ત્યારે શા માટે તેને ચોથા ક્રમે સાતત્યભરી તક નથી અપાતી તે ખરેખર એક રહસ્ય કહેવાય.

ભારતે છેલ્લા એક-દોઢ વર્ષમાં ચોથા ક્રમના બેટ્સમેન તરીકે સતત અંબાતી રાયડુને તક આપી હતી. જોકે છેલ્લી બે-ત્રણ ઈનિંગમાં તેની ઘોર નિષ્ફળતાને કારણે અચાનક તેને પડતો મૂકીને સાવ નવા-સવા ઓલરાઉન્ડર શંકરને વર્લ્ડકપની ટીમમાં સમાવીને આશ્ચર્ય સર્જ્યું છે. રાયડુને સ્થાને શંકરને ચોથા ક્રમના બેટ્સમેન તરીકે ટીમમા સમાવવાનો ભારતીય પસંદગીકારોનો નિર્ણય મોટાભાગના ક્રિકેટ વિવેચકો અને ચાહકોને ગળે ઉતર્યો નથી.

ભૂતપૂર્વ ઓપનર અને ચેન્નાઈના ભૂતપૂર્વ મેન્ટર ક્રિશ્નામાચારી શ્રીકાંતે તેની કોલમમાં લખ્યું છે કે, ભારત પાસે ધોની જેવો બેટ્સમેન ચોથા ક્રમના સ્થાન માટે એકદમ પરફેક્ટ છે. ભારતીય ટીમમાં આ સ્થાન માટે તેનાથી બહેતર વિકલ્પ કોઈ નથી. ધોનીએ પણ ચોથા ક્રમે બેટીંગમાં ઉતરીને જબરજસ્ત દેખાવ કર્યો છે, છતાં તેને શા માટે તક નથી અપાતી તે પ્રશ્ન છે.

ધોનીની વકાલત કરતાં શ્રીકાંતે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં તેમજ હાલની આઇપીએલમાં ધોનીએ જે પ્રકારે બેટીંગ કરી છે, તે દર્શાવે છે કે, ટીમને આપવા માટે તેની પાસે ઘણું બધુ છે. ટીકાકારો તો ધોનીને વર્લ્ડકપ પહેલા ફોર્મ બતાવવા માટે જણાવશે જ પણ તેન અર્થ એ નથી કે, તે ટીમને આગળ ધપાવી શકે તેમ નથી. 

વર્તમાન આઇપીએલમાં ધોનીએ જબરજસ્ત ફોર્મ દેખાડતા ૧૧ મેચમાં ૩૫૮ રન ફટકાર્યા છે. 

વન ડેમાં ધોનીનું બેટીંગ વિઝન શ્રેષ્ઠ

શ્રીકાંતે કહ્યું કે, ધોનીની બેટીંગમાં ફાયરપાવર નથી તેવી દલીલ કોઈ કરી શકે પણ ૫૦-૫૦ ઓવરની મેચમાં બેટ્સમેનને તેની ઈનિંગ બિલ્ટઅપ કરવા માટે પુરતો સમય મળી રહે છે. મને લાગે છે કે, વન ડે ક્રિકેટમાં બેટીંગ અંગે ધોની પાસે જેવું વિઝન છે, તેવું અન્ય કોઈની પાસે નથી. જો એક વખત તે સેટ થઈ ગયો તો પછી તેને આઉટ કરવો મુશ્કેલ બની જાય છે. તેની બેટીંગમાં આક્રમણ અને સંરક્ષણનું સંતુલન હોય છે, જેના કારણે તેની સામે બોલિંગ કરવામાં ભલભલા બોલરોને પરસેવો છુટી જાય છે. વધુમાં તેનો બહોળો અનુભવ પણ ભારતીય ટીમ માટે ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે.

દિલ્હી સામે ઐયર અને મોરીસને સ્ટમ્પ્ડ આઉટ કરીને ધોનીએ તખ્તો પલ્ટયો

આઇપીએલમાં ધોનીની ગેરહાજરીમાં ચેન્નાઈના દેખાવમાં અસાધારણ પડતી જોવા મળી હતી. દિલ્હી સામેની મેચમાં ચેન્નાઈની જીતમાં ધોનીનું પ્રદાન મહત્વનું રહ્યું હતુ. શ્રીકાંતે લખ્યું કે, ધોનીનું વિકેટકિપિંગ કૌશલ્ય હજુ અકબંધ છે. દિલ્હી સામેની મેચમાં જે પ્રકારે તેણે શ્રેયસ ઐયર અને મોરીસને સ્ટમ્પ્ડ આઉટ કર્યા તે ખરેખર તેની કુશળતા દર્શાવે છે. ઈંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડકપમાં ધોનીએ બોલરોને આપેલા ઈનપુટ્સ, તેની વિકેટની પાછળની ચતુરાઈભરી રમત અને મક્કમ બેટીંગ ભારત માટે નિર્ણાયક સાબિત થશે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZREYYw
via Latest Gujarati News

Post a Comment

0 Comments