રબાડા પીઠના દુઃખાવાને કારણે IPLની બાકીની મેચો ગુમાવશે

જોહનીસબર્ગ, તા.૩

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શાનદાર દેખાવ કરનારા દિલ્હી કેપિટલ્સના સાઉથ આફ્રિકી બોલર રબાડાને અચાનક જ પીઠના દુઃખાવાની જૂની સમસ્યા સતાવવા લાગી છે. વર્લ્ડ કપ નજીક છે, ત્યારે રબાડાની ઈજાના કારણે સાઉથ આફ્રિકાનું ટીમ મેનેજમેન્ટ પણ ચિંતિત બની ગયું છે અને તેમણે રબાડાને તાબડતોબ સ્વદેશ પાછો બોલાવી લીધો છે, જેના કારણે દિલ્હી કેપિટલ્સની ટીમને ફટકો પડયો છે.

આઇપીએલમાં પણ પ્લે ઓફ શરૃ થવા જઈ રહ્યા છે અને આ જ સમયે રબાડા ઈજાગ્રસ્ત થઈને બાકીની મેચોમાંથી બહાર થઈ જતાં દિલ્હીની મુશ્કેલી વધી છે. આઇપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપીને રબાડાએ પર્પલ કેપ મેળવી છે. તેણે માત્ર ૧૨ જ મેચમાં ૨૫ વિકેટ ઝડપતાં દિલ્હીની સફળતામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી છે. રબાડા ચેન્નાઈ સામેની મેચમાં રમી શક્યો નહતો અને તેના સ્કેનિંગના રિપોર્ટ્સ જોયા બાદ ક્રિકેટ સાઉથ આફ્રિકા તરીકે ઓળખાતા તેમના ક્રિકેટ બોર્ડે તેને સ્વદેશ પાછો બોલાવી લીધો હતો. 

રબાડા હવે રાજસ્થાન રોયલ્સ સામેની આખરી મેચ તેમજ ત્યાર બાદના પ્લેઓફ ગુમાવશે. રબાડાની ઈજાએ સાઉથ આફ્રિકન ટીમનો તનાવ વધારી દીધો છે. અગાઉ આઇપીએલમાં રમી ચૂકેલા બેંગ્લોરના સાઉથ આફ્રિકી ફાસ્ટ બોલર ડેલ સ્ટેનને ખભાની ઈજા થઈ હતી અને તે ચાલુ ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. એનગિડી અને નોર્ટ્જે પણ ઈજાના કારણે આઇપીએલની શરૃઆતના તબક્કામાંથી બહાર થઈ ચૂક્યા હતા. 

હવે દિલ્હી કેપિટલ્સનો મદાર હવે સાઉથ આફ્રિકી ઓલરાઉન્ડ ક્રિસ મોરીસ પર વિશેષ રહેશે. આ ઉપરાંત ઈશાંત શર્મા પણ દિલ્હીની પ્લેઈંગ ઈલેવનમાં રમતો જોવા મળે તેવી શક્યતા છે. દિલ્હીને હવે શનિવારે રાજસ્થાન સામે ટકરાવાનું છે. રાજસ્થાન પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકાઈ ગયેલું મનાય છે.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UYdqNF
via Latest Gujarati News

Post a Comment

0 Comments