નવી દિલ્હી,  15 મે 2019, બુધવાર

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈંસ્ટાગ્રામમાં કેટલાક મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. જો કે કંપની આ ફીચરનું ગ્લોબલ લોચિંગ કરે તે પહેલા તેને કેનેડામાં ટેસ્ટ કરશે. આ અગાઉ ફેસબુકએ પણ તેના ડેટિંગ ફેસબુકનું ટેસ્ટિંગ કેનેડામાં કર્યુ હતું. જો કે આમ કરનાર ફેસબુક એક જ કંપની નથી. આ પહેલા અનેક કંપનીઓએ પોતાના પ્રોડક્ટનું ટેસ્ટિંગ કેનેડામાં કર્યું છે. આ ટેસ્ટિંગના પરીણામના આધારે તેઓ દુનિયાભરમાં તેને અપ્લાય કરે છે. 

સોશિયલ મીડિયા સાઈટ ઉપરાંત ગેમિંગ કંપની, ઘરેલુ ઉપકરણો બનાવતી કંપનીઓ પણ પહેલા ટેસ્ટિંગ કેનેડામાં કરે છે. કેનેડા વિકસિત દેશોમાં સૌથી વધારે વિવિધતા ધરાવતો દેશ છે. અહીં 41 ટકા લોકો એવા છે જે પોતે અન્ય દેશમાં આવ્યા હોય કે પછી તેના માતા પિતામાંથી કોઈ એક અન્ય દેશમાંથી આવ્યા હોય છે. અપ્રવાસીઓની આટલી મોટી સંખ્યાના કારણે કેનેડામાં 200થી વધારે ભાષાઓ બોલવામાં આવે છે. અહીં દુનિયાના દરેક ધર્મ અને જાતિના લોકો વસે છે. અહીંના માર્કેટમાં ટેસ્ટિંગ કરવાથી કંપનીને જાણ થાય છે કે દુનિયાભરના દેશમાં તેમને કેવો પ્રતિસાદ મળશે. 

દુનિયાના મોટા મોટા એપ ડેવલપર પણ સૌથી પહેલા કેનેડામાં ટેસ્ટ રન કરે છે. એક નિષ્ણાંતના જણાવ્યાનુસાર કેનેડામાં ટેસ્ટિંગ કરવાથી જે ડેટા મળે છે તે અમેરિકા, બ્રિટન જેવા માર્કેટની સરખામણીમાં વધારે વિશ્વસનીય પણ હોય છે. વિવિધતા ઉપરાંત કેનેડાની એક મોટી ખાસિયત એ પણ છે કે તે વિકસિત દેશ હોવાથી અહીંના લોકો સાક્ષર અને ટેકનોલોજી ફ્રેન્ડલી છે. અહીંના લોકો જે ફીચર અને ટેકનોલોજીને પસંદ કરે છે તેને દુનિયાભરમાં પસંદ કરવામાં આવશે તેવું કહી શકાય. કેનેડામાં વધારે લોકો અમેરિકી બોર્ડરથી 150થી 200 કિલોમીટરની રેંજમાં રહે છે. તેઓ કોઈપણ દેશમાંથી આવી અહીં વસેલા હોય પરંતુ તેમના ખાનપાન, પહેરવેશ, પસંદ પર અમેરિકાની છાપ જોવા મળે છે.  




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HjwZLe
via Latest Gujarati News