એમ્સ્ટ્રેડેમ એરિના, તા.૯
નેધરલેન્ડની કલબ એજાક્સ સામેની ચેમ્પિયન્સ લીગની સેમિ ફાઈનલમાં આખરી ૪૫ મિનિટ બાકી હતી, ત્યારે ઓવરઓલ ૦-૩થી પાછળ ધકેલાયેલી ઈંગ્લિશ કલબ ટોટેનહામ સ્પર્સે નાટકીય પુનરાગમન કરતાં વિજય મેળવ્યો હતો. ટોટેનહામ કલબમાં સામેલ ૨૬ વર્ષના બ્રાઝિલીયન ખેલાડી લુકાસ મૉરાએ બીજા હાફમાં ગોલ હેટ્રિક ફટકારતાં બાજી પલ્ટી નાંખી હતી. ટોટેનહામે એજાક્સના હોમગ્રાઉન્ડ પર રમાયેલી સેકન્ડ લેગની સેમિ ફાઈનલમાં ૩-૨થી વિજય મેળવ્યો હતો. જોકે અગાઉ તેઓ ઘરઆંગણે એજાક્સ સામે ૦-૧થી હાર્યા હતા. જેના કારણે બંને સેમિ ફાઈનલનો સ્કોર ભેગો કરતાં તે ૩-૩ થયો હતો.
સ્કોર બરોબરી પર રહેતા અવે ગોલ (હરિફના મેદાન પરના ગોલ)ને આધારે વિજેતા નક્કી કરવામાં આવ્યો હતો. ટોટેનહામ હરિફ ટીમના મેદાનમાં ૩ ગોલ ફટકાર્યા હતા. જ્યારે એજાક્સ હરિફ ટીમના મેદાન પર ૧ જ ગોલ ફટકારી શક્યું હતુ. આ કારણે ટોટેનહામને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતુ. હવે તારીખ ૧ લી જુને મેડ્રીડમાં ચેમ્પિયન્સ લીગની ઓલ ઈંગ્લિશ ફાઈનલ રમાશે. જેમાં ટોટેનહામની ટક્કર ઈંગ્લેન્ડની જ લીવરપૂલ કલબ સામે થશે. લીવરપૂલે પણ ફૂટબોલ ઈતિહાસમાં સ્થાન પામે તેવું જોરદાર કમબેક કરતાં હાઈપ્રોફાઈલ કલબ બાર્સેલોના સામે ૦-૩થી પાછળ પડયા બાદ આખરે સેકન્ડ લેગ ૪-૦થી જીત્યો હતો અને ઓવરઓલ ૪-૩થી વિજય મેળવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
ચેમ્પિયન્સ લીગમાં ૧૧ વર્ષ બાદ ઓલ ઈંગ્લિશ ફાઈનલ રમાશે. છેલ્લે ૨૦૦૮માં ચેમ્પિયન્સ લીગની ફાઈનલમાં માન્ચેસ્ટર યુનાઈટેડ અને ચેલ્સી ટકરાયા હતા. ફર્સ્ટ લેગમાં ૧-૦થી સરસાઈ ધરાવતી એજાક્સ કલબને સેકન્ડ લેગની મેચમાં ૧૯ વર્ષીય કેપ્ટન મથીસ ડે લિગ્ટે પાંચમી મિનિટે જ સરસાઈ અપાવી હતી. જે પછી ૩૫મી મિનિટે એરિક ટૅન હેગે ગોલ ફટકારતાં ટીમને ૨-૦થી સરસાઈ અપાવી હતી. હાફ ટાઈમ બાદ લુકાસ મૉરાએ ચાર મિનિટના ગાળામાં બે ગોલ ફટકારતા મેચ બરોબરી પર લાવી દીધી હતી. આમ છતાં ઓવરઓલ સ્કોરમાં એજાક્સ ૩-૨થી આગળ હતુ. જોકે મૉરાએ ઈન્જરી ટાઈમમાં છેક ૯૬મી મિનિટે નાટકીય ગોલ ફટકારતાં હેટ્રિક પુરી કરતાં ટીમને બરોબરી પર લાવતા અવે ગોલના નિયમને સહારે ટીમને જીત અપાવી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YhIPwr
via Latest Gujarati News
0 Comments