ક્રોશેટ, લેસ, મિરર અને સિકવન્સ માનુનીના સાધારણ દેખાતા ડ્રેસને ખાસ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ફેશન ડિઝાઈનરો કહે છે કે તમારા ડ્રેસનું ફેબ્રિક સુતરાઉ હોય, જ્યોર્જટ હોય કે શિફોન, તેને આકર્ષક લુક આપવા આ બધા મટિરિયલ ઉપયોગમાં લઈ શકાય.
ઘેરા રંગના ડ્રેસમાં વાઈટ લેસ એકદમ ઉઠી આવે છે. તમે તેને ગળા, બાંય અને દામનમાં લગાવી શકો છે. લખનવી કુરતીમાં મોટાભાગે વાઈટ ધાગાથી વર્ક કરવામાં આવતું હોવાથી આવી કુરતીમાં નીચે ક્રોશેટની સફેદ રંગની લેસ ખૂબ સુંદર લાગે છે. તેવી જ રીતે અનારકલી પેટર્નના ડ્રેસમાં દુપટ્ટાના કિનારે તેમ જ અનારકલીના કિનારે વેલવેટ મટિરિયલની બોર્ડર ખૂબ જચે છે.
નેકલાઈન તેમ જ સ્લીવ્ઝમાં મિરર કે પછી સિકવન્સ વર્ક ધૂમ મચાવી રહ્યું છે. ફ્રન્ટ યોકમાં મિરર વર્ક સાથે રંગબેરંગી એમ્બ્રોઈડરીવાળી કુરતી અને ચુડીદાર પહેરતી યુવતીઓ દુપટ્ટો પહેરવાનું ટાળે છે.
બ્લેક ટ્રાઉઝર સાથે વાઈટ ટોપમાં ગળા-બટનલાઈનમાં બનાવેલી ફ્રીલ માનુનીને આકર્ષક લુક આપે છે. તેવી જ રીતે અનારકલી ડ્રેસના છેડે પણ ફ્રીલ ખૂબ સુંદર દેખાય છે.
ગર્ભવતી માનુનીઓ ફ્રન્ટમાં માત્ર ખભાથી લઈને છથી આઠ ઈંચ સુધી આકર્ષક વર્ક અને તેની નીચે પ્લિટવાળી ડિઝાઈનની કુરતી પહેરે તો તે કમ્ફર્ટેબલ લાગવા સાથે અત્યંત આકર્ષક પણ દેખાય છે.
સુતરાઉ પંજાબી સુટ કે કુરતીમાં આકૃતિઓ કે અન્ય પેચ વર્ક અનોખો લુક આપે છે. કુરતીમાં પેચ કરેલી નાની આકૃતિ જેવી જ મોટી આકૃતિ દુપટ્ટામાં પેચ કરીને તેને વધુ સુંદર બનાવી શકાય. અલબત્ત, તેમાં પરંપરાગત ડિઝાઈન વધુ જચે છે.
ઘુંટી સુધી લાંબા પ્રિન્ટેડ અનારકલી સાથે નાના-મોટા ફુમતાવાળો શિફોનનો દુપટ્ટો ડ્રેસને વધુ આકર્ષક બનાવે છે. આવા ડ્રેસ સાથે વધુ એક્સેસરી પહેરવાનું ટાળવું. પણ ઊંચી એડીના પગરખાં પહેરવાનું ન ભૂલવુ પગરખા તમને શોભશે.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YuKuiY
via Latest Gujarati News
0 Comments