દેશના ખેડૂતોને રાહત પૂરી પાડવા ઘઉં પરની આયાત ડયૂટીને વધારીને 40 ટકા કરાઈ

નવી દિલ્હી,  તા. 27 એપ્રિલ, 2019, શનિવાર

ભારતે ઘઉંની પરની આયાત ડયૂટી ૩૦ ટકા પરથી વધારી ૪૦ ટકા કરી છે. સ્થાનિક ખેડૂતોને ટેકો આપવા આ નિર્ણય લેવાયો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. વિશ્વમાં ભારત ઘઉંનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. 

દેશમાં ઘઉંના નીચા ભાવને કારણે ખેડૂતોમાં રહેલા અસંતોષને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય આવી પડયો હોવાનું ચર્ચાય રહ્યું છે. ગયા વર્ષના પાક અને આ વર્ષે રેકોર્ડ ઉત્પાદનની ધારણાં વચ્ચે ૨૦૧૯માં ઘઉંના ભાવમાં ૧૧ ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાનું બજારના વર્તુળો દ્વારા જણાવાઈ રહ્યું છે. 

આયાત ડયૂટી વધારાતા ફલોર મિલરો માટે ઘઉંની આયાત કરવાનું મોંઘું બનશે માટે તેઓ ઘરઆંગણેથી ઘઉં ખરીદવા તરફ વળશે એમ જણાય રહ્યું છે. સરકારે ૨૦૧૯ માટે ઘઉંના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ વધારીને રૂપિયા ૧૮૪૦ કર્યા છે. 

દેશમાં ઉત્પન્ન થતાં ઘઉંમાંથી ૨૫ ટકા ઘઉં સરકાર ટેકાના ભાવે ખરીદ કરી લે છે. બફર સ્ટોક ઊભો કરવા તથા રેશનિંગ મારફત ઘઉંનો પૂરવઠો કરવા આ ખરીદી કરવામાં આવે છે. 

૨૦૧૮-૧૯ના ક્રોપ યર (જુલાઈથી જુન)માં  દેશનું ઘઉંનું ઉત્પાદન ૯.૯૧ કરોડ ટન રહેવા અંદાજ છે.  ઘઉં આધારિત કેટલાક પ્રોડકટસ માટે ફલોર મિલરો ઘઉંની આયાત કરતા હોય છે, જો કે આયાતનો વધુ પડતો આધાર ભાવ પર પણ રહેતો હોય છે, એમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XJKmLo
via Latest Gujarati News

Post a Comment

0 Comments