ક્રુડતેલમાં ઝડપી કડાકો બોલતાં કરન્સીમાં બંધ બજારે ડોલર સામે રૂપિયો ઉંચકાયો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,  તા. 27 એપ્રિલ, 2019, શનિવાર

મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ વિશ્વબજાર પાછળ ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ ઉંચેથી નીચો આવતાં તેની પાછળ વૈશ્વિક સ્તરે સોનામાં ઘટાડે ફંડવાળા ફરી દાખલ થયાની ચર્ચા હતી. વિશ્વબજાર પાછળ મુંબઈ કરન્સી બજારમાં પણ આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૭૦.૦૦થી ૭૦.૦૧ વાળા ઘટી રૂ.૬૯.૮૯થી ૬૯.૯૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૨૭૮ ડોલરવાળા ઉંચામાં ૧૨૮૮.૮૦ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૧૨૮૬.૫૦થી ૧૨૮૭ ડોલર રહ્યાના સમાચાર હતા.

વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ આજે ઝવેરીબજારમાં બંધ બજારે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૭૮૩ વાળા રૂ.૩૧૮૫૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૯૧૧ વાળા રૂ.૩૨૦૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે  ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં  ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૫૧૦ વાળા આજે રૂ.૩૭૬૦૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૧૦૦ ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૧૪.૯૯ ડોલર વાળા ૧૫.૧૦થી ૧૫.૧૫ ડોલર થઈ છેલ્લે સપ્તાહના અંતે ભાવ ૧૫.૦૭થી ૧૫.૦૮ ડોલર રહ્યા હતા.

વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ ઉંચેથી ત્રણ ટકા ગબડતાં ઘરઆંગણે કરન્સી બજારમાં આજે બંધ બજારો ડોલર સામે રૂપિયો ઉંચકાયો હતો એવું જાણકારોએ જણાવ્યું હતું. અમેરિકાએ ઓપેકના દેશોને ક્રુડના ઉંચા ભાવ અંગે ચેતવણી આપ્યાના વાવડ હતા. વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રુડના ભાવ બેરલના જે તાજેતરમાં ઉંચામાં ૭૫ ડોલર ઉપર જતા રહ્યા હતા તે ઝડપી તૂટી સપ્તાહના અંતે ૭૨.૧૦થી ૭૨.૨૦ ડોલર રહ્યાના સમાચાર હતા.

ન્યુયોર્કના ભાવ ગબડી છેલ્લે ૬૩.૩૦ ડોલર રહ્યા હતા. જોકે રશિયાએ ઉત્પાદન કાપ ચાલુ રાખવા સંકેત આપ્યો છે. દરમિયાન, વૈશ્વિક ક્રુડતેલના વાયદા બજારમાં તેજીવાળા સટોડીયાઓની પોઝીશન છેલ્લા સતત સાત સપ્તાહથી વધતી રહી છે જેના પગલે ૧૩ વર્ષનો નવો રેકોર્ડ સર્જાયાના સમાચાર હતા. ક્રુડ વાયદામાં તેજીવાળા મક્કમ હોતાં આગળ ઉપર ભાવ ફરી ઉંચા જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ચીન અને અમેરિકા પછી હવે અમેરિકા અને જાપાન વચ્ચે પણ વેપાર યંત્રણાઓ શરૂ થઈ છે. અમેરિકાના પ્રમુખે જાપાનમાં અમેરિકાથી આયાત થતી ચીજો પર ટેરીફ ઘટાડવા જણાવ્યું હોવાના સમાચાર મળ્યા છે.

ક્રુડતેલમાં શુક્રવારે નોંધાયેલો ભાવ કડાકો પાછલા બે મહિનાને સૌથી મોટો ભાવ ઘટાડો મનાઈ રહ્યો છે. વિશ્વબજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ ઉછળી છે. પ્લેટીનમના ભાવ વધી ઔંશના ૯૦૦ ડોલર નજીક પહોંચી ગયા છે. પેલેડિયમના ભાવ ઉછળી ૧૪૦૦ ડોલર કુદાવી ૧૪૬૨.૫૦થી ૧૪૬૨.૬૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ન્યુયોર્ક કોપર વાયદો વધી સપ્તાહના અંતે ૦.૯૦થી ૦.૯૫ ટકા પ્લસમાં રહ્યો હતો.

લંડન બજારમાં સપ્તાહના અંતે કોપરના ભાવ ટનના ત્રણ મહિનાની ડિલીવરીના ૬૪૦૦ ડોલર રહ્યા હતા જ્યારે એલ્યુમિનિયમના ભાવ ૧૮૩૭ ડોલર, જસતના ૨૭૬૮ ડોલર તેના ટીનના ૧૯૯૨૫ ડોલર રહ્યાના સમાચાર હતા. દરમિયાન, સપ્તાહના અંતે અમેરિકાથી મળેલા સમાચાર મુજબ ત્યાં માર્ચ અંતે પુરા થયેલા ત્રિમાસિકમાં જીડીપીનો દર વધી ૩.૨૦ ટકા આવ્યો છે જેની અપેક્ષા ૨.૫૦ ટકાની હતી. માર્ચ ત્રિમાસિકમાં આવી જીડીપી વૃધ્ધિ છેલ્લે ત્યાં ૨૦૧૫માં જોવા મળી હતી તે હવે ચાર વર્ષ પછી ફરી જોવા મળી છે. આની અસર વિશ્વબજારમાં ડોલરના ભાવ પર આવતા સપ્તાહમાં પ્રોત્સાહક પડવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GNtY6S
via Latest Gujarati News

Post a Comment

0 Comments