જન ધન બેન્ક ખાતાઓમાં બેલેન્સનો આંક રૂપિયા એક લાખ કરોડની નજીક પહોંચ્યો

મુંબઈ,  તા. 27 એપ્રિલ, 2019, શનિવાર

શરૂ કરાયાના પાંચ વર્ષ બાદ પ્રધાન મંત્રી જન ધન યોજના  હેઠળના બેન્ક ખાતાઓમાં  કુલ બેલેન્સનો આંક રૂપિયા એક લાખ કરોડની નજીક પહોંચી ગયો છે. છેલ્લામાં છેલ્લા આંકડા પ્રમાણે, જન ધન સ્કીમના ૩૫.૫૦ કરોડ લાભકર્તાઓના ખાતામાં કુલ રૂપિયા ૯૯૭૫૨ કરોડની રકમ જમા થઈ છે.

સૌથી વધુ બેલેન્સ જાહેર ક્ષેત્રની બેન્કોમાં જોવા મળે છે. જાહેર ક્ષેત્રની બેન્કોમાં આ સ્કીમ હેઠળ રૂપિયા ૭૯૧૭૭ કરોડની બેલેન્સ રહી છે જ્યારે પ્રાદેશિક ગ્રામ્ય બેન્કો તથા ખાનગી બેન્કોમાં બેલેન્સનો આંક અનુક્રમે રૂપિયા ૧૭૬૪૮ કરોડ અને રૂપિયા ૨૯૨૬ કરોડ રહ્યો છે. આ સ્કીમ ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ કેન્દ્રીત કરાયેલી છે અને તે પણ મહિલા ખાતેધારકોને પ્રાધાન્ય અપાય છે. કુલ ૩૫.૫૦ કરોડ ખાતામાંથી ગ્રામ્ય તથા અર્ધ - શહેરી વિસ્તારોમાં ખાતાની સંખ્યા ૨૧ કરોડ જેટલી છે. સ્કીમમાં મહિલા લાભકર્તાની સંખ્યા ૧૮.૮૮ કરોડ છે, એમ પ્રાપ્ત માહિતી જણાવે છે. 

૨૦૧૪ની ૧૫ ઓગસ્ટમાં આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી પરંતુ નોટબંધીના ગાળામાં તેમાં નાણાં જમા થવાની માત્રામાં જોરદાર વધારો થયો હતો. એમાંય છેલ્લા ત્રણ  મહિનામાં તો, ભારે ઉછાળો જોવાયો છે જેને કારણે ચૂંટણીને લઈને આ વધારો થયાની શંકા ઊભી થયા વગર રહેતી નથી. 

૨૦૧૮ના જાન્યુઆરીમાં ૩૦.૯૩ કરોડ લાભકર્તાની સાથે કુલ બેલેન્સ રૂપિયા ૭૩૦૦૦ કરોડ રહી હતી જ્યારે વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં તે વધીને રૂપિયા ૮૮૦૦૦ કરોડ અને માર્ચમાં રૂપિયા ૯૬૦૦૦ કરોડ અને હાલમાં તે રૂપિયા૯૯૭૫૨ કરોડ રહી છે. 

દેશના ૧૦થી ૧૧ કરોડ નાગરિકો જેઓ બેન્કિંગ વ્યવસ્થા સાથે સંકળાયેલા નહોતા તેમને આવરી લેવા સરકારે ગયા વર્ષે જન ધન ૨.૦ સ્કીમ વહેતી મૂકી હતી. 




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XJKpXA
via Latest Gujarati News

Post a Comment

0 Comments