મુંબઈ, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
રાઈટ ટુ ઈનફરમેશન (આરટીઆઈ) એકટ હેઠળ બેન્કોના કોન્ફીડેન્સિઅલ એન્યુઅલ ઈન્સ્પેકશન રિપોર્ટસ બહાર પાડવા સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્કને આપેલા આદેશથી જાદુની પેટી ખુલી શકે છે અને અસંખ્ય કોર્ટ કેસો ઊભા થઈ શકે છે એમ બેન્કરો અને એનાલિસ્ટો માની રહ્યા છે.
વાર્ષિક ઈન્સ્પેકશન રિપોર્ટમાં એક બેન્કની સોલવેન્સી, લિક્વિડિટી અને કામકાજની સ્થિતિ પર પ્રકાશ પડાતો હોય છે. તેમાં કેપિટલ એડિક્વસી, એસેટ કવોલિટી, મેનેજમેન્ટ, અર્નિંગ્સ, લિક્વિડિટી તથા સિસ્ટમ અને કન્ટ્રોલ પર વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવે છે.
જો કોઈ ખાતું બેન્કની બેલેન્સ શીટસ બગાડતું હોય તેવું રિઝર્વ બેન્કને જણાય તો તે તેમાં ઉંડી ઊતરે છે. માટે આવા રિપોર્ટસમાં ગ્રાહકના રિપેમેન્ટ રેકોર્ડસની વિગતો અને દરેક ગુપ્ત માહિતી તથા રિઝર્વ બેન્કે કરેલા નિરીક્ષણનો સમાવેશ થાય છે.
બેન્કો સાથે વિશ્વસ્નિય સંબંધો હોવાના કારણને આગળ ધરીને આરટીઆઈ હેઠળ મંગાયેલી માહિતી પૂરી નહી પાડવા બદલ સુપ્રીમ કોર્ટે આરબીઆઈને ઠપકો આપ્યો હતો. બેન્કો પ્રત્યે રિઝર્વ બેન્કની આવી કોઈ જવાબદારી નથી અને ઈન્સ્પેકશન રિપોર્ટસને લગતી દરેક માહિતી અને અન્ય બાબતો પૂરી પાડવા તે બંધાયેલ છે એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
રિઝર્વ બેન્ક સૂચનાનો ભંગ કરશે તો તેની ગંભીર નોંધ લેવાશે એમ પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ટિપ્પણી કરાઈ છે. જો કે બેન્કો તેમના ગ્રાહકો સાથે નોન-ડિસ્કલોઝર કરતી હોય છે અને કરારના ભંગથી અનેક કોર્ટ કેસો થવાની સંભાવના રહેલી છે એમ એક બેન્કરે જણાવ્યું હતું. ગ્રાહકો વિશેની કોઈપણ માહિતી જાહેર કરવાનું બેન્કો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
બેન્કોનું નિરીક્ષણ કરવાની રિઝર્વ બેન્કને સત્તા છે પરંતુ આ નિરીક્ષણમાં પ્રાપ્ત થતી માહિતી જાહેર કરી શકાય કે કેમ તે અંગે બેન્કિંગ રેગ્યુલેશન એકટની કલમ ૩૫માં કોઈ સ્પષ્ટતા નહીં હોવાનું એક વિશ્લષકે જણાવ્યું હતું. જો કે ઈન્સ્પેકશન સરકારની સૂચનાથી કરાયું હોય તો રિઝર્વ બેન્કે તેનો રિપોર્ટ સરકારને આપવાનો રહે છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GMeaBw
via Latest Gujarati News
0 Comments