પેટ પર જામ્યા હોય ચરબીના થર તો પહેરો આ પ્રકારના કપડા, દેખાશો સ્લીમ


અમદાવાદ, 16 મે 2019, ગુરુવાર

શરીરનું વજન અચાનક વધે ત્યારે સૌથી પહેલા પેટના ભાગે ચરબી જામવા લાગે છે. આ ચરબી ઘટવા પ્રયત્ન તો ઘણા કરવામાં આવે છે પરંતુ જ્યાં સુધી આ ચરબી ઘટે નહીં ત્યાં સુધી કપડા કયા પહેરવા તેની ચિંતા સતાવે છે. કારણ કે પેટની ચરબી વધારે હોવાથી શરીર બેડોળ લાગે છે અને તેવામાં જો યોગ્ય પ્રકારના કપડા પહેરવામાં ન આવે તો જાહેર જગ્યાએ હાસ્યનું પાત્ર બનવું પડે છે. પેટ પર ચરબી જામી ગઈ હોય તો ટાઈટ ફીટીંગવાળા કપડા પહેરી શકાતા નથી વળી શોર્ટ ટોપને પણ અલવિદા કહી દેવું પડે છે. ઈચ્છા હોવા છતા તમે સ્ટાઈલિશ કપડા પહેરી શકાતા નથી. તો ચાલો આજે તમારી આ સમસ્યાને દૂર કરી દઈએ. આજે તમને જણાવીએ કે પેટની ચરબીને છુપાવી અને સ્ટાઈલીશ દેખાવામાં કેવા કપડા મદદ કરી શકે છે. 

ટમી ટકર

પાર્ટી કે અન્ય પ્રસંગમાં જવાનું થાય અને ચોલી કે અન્ય ફેન્સી ડ્રેસ પહેરવો હોય તો તેના માટે ટમી ટકરનો ઉપયોગ કરવો. બજારમાં ટમી ટકર મળતા હોય છે, જે વેસ્ટર્ન ડ્રેસની સુંદરતાની વધારે છે અને પેટની ચરબીને છુપાવે છે. 

ફ્લેયર્ડ કુર્તી

ભારતીય પોશાક પહેરવામાં અનારકલી અને ફ્લેયર્ડ કુર્તી કે ડ્રેસ પહેરવા. આ પ્રકારના પોષાક પેટની ચરબી સરળતાથી છુપાવે છે. ફ્લેયર્ડ હેમલાઈનવાળી કુર્તી ઓફિસ અને કેઝયુઅલ વેર તરીકે પણ પહેરી શકાય છે. 

પસંદ કરો આવા ટોપ

પેટની ચરબી છુપાવવા માટે રફલ ટોપ પસંદ કરવા. આ પ્રકારના ટોપ ચરબી છુપાવી શકે છે. રફલ ટોપમાં બેલ સ્લીવ્સ ટોપ પણ ખરીદવા. આ ઉપરાંત પેપલમ ટોપ પણ શરીરના આવા આકારને છુપાવે છે. આ ટોપ પેટ સુધી ટાઈટ હોય છે અને તેની ઉપર ચુન્નટવાળી ડિઝાઈન હોય છે. આ ડિઝાઈનના કારણે પેટની ચરબી દૂર થાય છે. 

હાઈ વેસ્ટ જીન્સ

જીન્સ જેટલું લો વેસ્ટ હશે તેટલી વધારે પેટની ચરબી  દેખાશે. પેટની ચરબીને છુપાવવા માટે હાઈવેસ્ટ જીન્સ પહેરવું જોઈએ. હાઈવેસ્ટ જીન્સ પેટની ચરબીને છુપાવશે અને સ્ટાલીશ લુક પણ આપશે. 

પેન્સિલ સ્કર્ટ

ઓફિસમાં જતી મહિલાઓ માટે પેન્સિલ સ્કર્ટ ઉપયોગી સાબિત થાય છે. આ સ્કર્ટનું ફિટિંગ સારું રહે છે અને તેના ઉપર લુઝ ટોપ પહેરવાથી પેટનો ચરબીયુક્ત ભાગ છુપાઈ જશે. આ ઉપરાંત પ્લીટેડ પેન્ટ પણ ઉપયોગી સાબિત થાય છે. આ પેન્ટ અમૂમન હાઈ વેસ્ટલાઈનવાળા હોય છે. આ પેન્ટ તમારી લંબાઈ પણ વધારે દેખાડશે. 

ડ્રેસ માટેના વિકલ્પ

ડ્રેસ પહેરવાનો શોખ હોય તો રેપ ડ્રેસ પહેરવા. તેને શરીર પર જરૂર અનુસાર ફિટિંગ પ્રમાણે રેપ કરી શકાય છે. જો કે રેપ ડ્રેસના કપડાની પસંદગીમાં ધ્યાન રાખવું. રેપ ડ્રેસમાં લાંબી લાઈન અને વર્ટિકલ પેટર્નવાળા ડ્રેસ ચરબી છુપાવશે અને હાઈટ વધારે દેખાડશે. 




from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jpxyqz
via Latest Gujarati News

Post a Comment

0 Comments