મુંબઈ, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. વેપારો ધીમા હતા. બજાર ભાવ એકંદરે સૂસ્ત હતા. વિશ્વબજારના સમાચાર પણ નિરુત્સાહી રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૯૯૦ રહ્યા હતા. જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૯૬૦થી ૯૭૫ તથા ૧૫ કિલોના રૂ.૧૫૪૦થી ૧૫૫૦ રહ્યા હતા. ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૦૫થી ૭૦૮ તથા મુંબઈમાં કપાસીયા તેલના ભાવ રૂ.૭૫૦ રહ્યા હતા.
દરમિયાન, મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે ૫૫૦૦ ગુણી તથા રાજકોટ બાજુ આશરે ૪૫૦૦ ગુણી સવારે નોંધાઈ હતી તથા મથકોએ મગફળીના હાજર ભાવ ૨૦ કિલોના જાતવાર રૂ.૧૮૨૫થી ૮૮૦ તથા ઉંચામાં રૂ.૯૪૦થી ૯૫૦ રહ્યા હતા. મુંબઈ બજારમાં પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૬૧૦ તથા જેએનપીટીના રૂ.૬૦૭ના મથાળે નરમ બોલાઈ રહ્યા હતા. નવા વેપારો પાંખા હતા.
દરમિયાન, ઈન્ડોનેશિયાથી મળતા સમાચાર મુજબ ત્યાંની સરકારે મે મહિના માટે પામતેલની નિકાસ પરનો ટેક્સ ઝીરો ટકાના દરે ચાલુ રાખવા નિર્ણય કર્યો છે. વિશ્વબજારના ખેલાડીઓના જણાવ્યા મુજબ ઈન્ડોનેશિયામાં માર્ચમાં પામતેલનું ઉત્પાદન વધી ૩૯.૫૦ લાખ ટન થતાં ડિસેમ્બર- ૧૮ પછીનો નવો રેકોર્ડ થયો છે. ત્યાં પાછલા વર્ષમાં માર્ચ કરતાં આ વર્ષે ઉત્પાદનમાં આશરે ૬.૧૫ લાખ ટનની વૃધ્ધિ થઈ છે. ત્યાં માર્ચ અંતે સ્ટોક ૨૪ લાખની અંદાજાયો છે. જે પાછલા વર્ષના માર્ચની સરખામણીએ આશરે ૧૧થી ૧૨ લાખ ટનનો ઓછો રહ્યો છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યંત્રણાઓ આગળ વધી રહી છે.
ચીનના પ્રમુખે એવી ખાતરી આપી હોવાના વાવડ મળ્યા છે કે ચીનની સરકાર પોતાની કરન્સીનું ડિવેલ્યુએશન કરવા માટેના કોઈ પગલા ભરશે નહિં. આના પગલે આ વેપાર યંત્રણાઓ માટે આગળ ઉપર આશાવાદ વધ્યો છે.આ વેપાર યંત્રણાઓ આવતા સપ્તાહમાં ચીન- બીજીંગમાં ત્યાર પછીના સપ્તાહમાં અમેરિકામાં આગળ વધશે એવા સંકેતો મળ્યા છે. દરમિયાન, વિશ્વબજારના સમાચાર મુજબ અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૯થી ૧૨ પોઈન્ટ નરમ હતો જ્યારે ત્યાં સોયાખોળનો વાયદો ૫૪થી ૬૧ પોઈન્ટ ગબડયો હતો જ્યારે સોયાબીનનો વાયદો ત્યાં ૫૪થી ૫૬ પોઈન્ટ તૂટયાના વાવડ હતા.
મુંબઈમાં આજે ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૩૪ વાળા રૂ.૫૩૦થી ૫૩૨ રહ્યા હતા. સોયાતેલના ભાવ ડિગમના રૂ.૬૯૫ વાળા રૂ.૬૯૩ જ્યારે રિફાઈન્ડના રૂ.૭૩૫ વાળા રૂ.૭૩૨ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૭૧૦ તથા રિફાઈન્ડના રૂ.૭૬૦ બોલાતા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૫૫ જ્યારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૧૮૦ રહ્યા હતા. દિવેલ તથા એરંડાના ભાવ અથડાતા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે સિંગખોળના ભાવ ટનના રૂ.૨૫૫૦૦ વાળા રૂ.૨૫૦૦૦ જ્યારે સોયાખોળના ભાવ રૂ.૩૩૦૭૫થી ૩૩૦૮૦ વાળા રૂ.૩૩ હજારની અંદર ઉતરી રૂ.૩૨૩૪૫થી ૩૨૩૫૦ રહ્યા હતા. જોકે એરંડા ખોળના ભાવ ઉંચા બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં શુક્રવારે રાત્રે ક્રુડતેલના ભાવ ઝડપી ગબૃડતાં તેની અસર વૈશ્વિક સ્તરે ખાદ્યતેલોના ભાવ પર દેખાઈ છે. આના પગલે સોમવારે મલેશિયામાં પામતેલનો વાયદો આરંભમાં નીચો ખુલવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XQqBSl
via Latest Gujarati News
0 Comments