નવી દિલ્હી, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
ચોથા તબક્કાના મતદાન માટેનો ચૂંટણી પ્રચાર આજે સાંજે સમાપ્ત થઇ ગયો છે. ચોથા તબક્કામાં ૨૯ એપ્રિલે ૯ રાજ્યોની ૭૧ લોકસભા બેઠકો પર મત નાખવામાં આવશે. જે રાજ્યોમાં મતદાન થશે તેમાં બિહારની પાંચ લોકસભા બેઠકો, ઝારખંડની ત્રણ, મધ્યપ્રદેશની છ, મહારાષ્ટ્રની ૧૭, ઓડિશાની ૬, ઉત્તર પ્રદેશની ૧૩, રાજસ્થાનની ૧૩, પશ્ચિમ બંગાળની આઠ બેઠકો પર મતદાન થશે.
લોકસભાની ૭૧ બેઠકો માટે કુલ ૯૪૩ ઉમેદવારો મેદાનમાં છે. ૨૯ એપ્રિલે બિહારમાં પાંચ લોકસભા બેઠક દરભંગા, ઉજિયારપુર, સમસ્તીપુર, બેગુસરાય અને મુંગેરમાં મતદાન થશે. બિહારમાં બેગૂસરાય બેઠક પર સૌની નજર છે કારણકે આ બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા ગિરિરાજ સિંહ ચૂંટણી લડી રહ્યાં છે.
ગિરિરાજ સિંહની સામે જેએનયુના પૂર્વ વિદ્યાર્થી કન્હૈયા કુમાર ચૂંટણી લડી રહ્યાં છે. આ ઉપરાંત રાજદના તનવીર હસન પણ આ બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે.
ગિરિરાજ સિંહ અને કન્હૈયા ઉપરાંત ચોથા તબક્કાની ચૂંટણીમાં રાજદના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન અબ્દુલ બારી સિદ્દીકી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય, રાષ્ટ્રીય લોેકસમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા, લોક જનશક્તિ પાર્ટીના રામચંદ્ર પાસવાન, બિહારના પ્રધાન રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સહિતના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.
ચોથા તબક્કાના વીઆઇપી ઉમેદવારોમાં મધ્યપ્રદેશના ઉમેદવાર કમલનાથના પુત્ર નકુલનાથનું ભવિષ્ય પણ નક્કી થશે. ચોથા તબક્કાના મતદાનમાં નકુલનાથ સૌથી ધનવાન ઉમેદવાર છે. તેમણે પોતાની કુલ સંપત્તિ ૬૬૦ કરોડ કરોડ રૃપિયા દર્શાવી છે. નકુલનાથ છિંદવાડા બેઠક પરથી કોંગ્રેસના ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં ૯૧, બીજા તબક્કામાં ૯૫ અને ત્રીજા તબક્કામાં ૧૧૭ બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J7L8Ov
via Latest Gujarati News
0 Comments