(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
ક્રિકેટના મેદાનમાંથી સીધા ભાજપના ઉમેદવાર બનેલા ગૌતમ ગંભીર સામે ફરિયાદનો સિલસિલો જારી જ છે. નામાંકનથી લઇ અત્યાર સુધી તેની વિરૃધ્ધ અનેક ફરીયાદો થઇ ચુકી છે. એક કેસમાં તો તેની વિરૃધ્ધ એફઆઇઆર પણ દાખલ થઇ હતી.
નવી ફરિયાદમાં વગર પરમીટ જાહેર સભા સંબોધવાનો સમાવેશ થતો હતો. ગંભીરે પૂર્વ દિલ્હીમાંથી ઉમેદવારી પત્ર ભર્યા પછી જોરદાર પ્રચારનો આરંભ કર્યો હતો. ૨૫ એપ્રિલે તેઓ પૂર્વ દિલ્હી લોકસભા મત વિસ્તારના જંગપુરામાં પહોંચી ગયા હતા અને સવારે લગભગ અગ્યાર વાગે જાહેર સભા ભરી નાંખી હતી.
જો કે તેની પાસે જાહેરસભા ભરવાની પરમીટ જ નહતી. ચૂંટણી પંચ સુધી આ અંગેની ફરિયાદ મળતાં પંચે તરત જ કાર્યવાહી શરૃ કરી હતી.પૂર્વ દિલ્હીના ચૂંટણી અધિકારી કે. મહેશે આને આચાર સંહિતા ભંગનો કેસ ગણી પોલીસને એફઆઇઆર નોંધવા આદેશ કર્યો હતો.
તો આ તરફ આમ આદમી પાર્ટીના પૂર્વ દિલ્હીના ઉમેદવાર આતીશીએ ગંભીર સામે સવાલ કર્યો હતો કે જ્યારે તમને રમતના નિયમોની જાણ ના હોય તો શા માટે મેદાનામાં ઉતરો છો. ટ્વિટ કરીને આતીશીએ કહ્યું હતું કે મતદારોની યાદીમાં બબ્બે જગ્યાએ નામ નોંધાવ્યા પછી તેમની સામે વગર પરમીટે જાહેર સભા ભરવા બદલ આજે એક વધુ કેસ અને તે પણ પોલીસ કેસ થયો છે.
'પહેંલા તો ઉમેદવારી પત્રક ભરતી વખતે તેમાં ચેકચાક, ત્યાર પછી બબ્બે વોટર આઇડી ધરાવવાનો ક્રિમીનલ કેસ. અને હવે વગર પરમીટે જાહેર સભા ભરવાનો ગુનો'એમ આતીશીએ કહ્યું હતું.તેમણે ગંભીરને પૂછ્યું હતું કે જ્યારે તમને રમતના નિયમોની ખબર જ ના હોય તો શું કામ મેદાનામાં ઉતરો છો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IM0kkM
via Latest Gujarati News
0 Comments