નવી દિલ્હી, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર
ભારતીય મોસમ વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીના ઉત્તર પૂર્વ વિસ્તારમાં રહેલું હવાનું દબાણ શનિવારે એક ચક્રાવતી વાવાઝોડામાં ફેરવાયુ છે. જેને 'ફની' નામ આપવામાં આવ્યુ છે. મોસમ વિભાગે આ વાવાઝોડુ ૩૦મી એપ્રિલે સાંજે તામિલનાડુમા ઉત્તર ભાગ અને આંધ્ર પ્રદેશના દક્ષિણીય વિસ્તારમાં પહોંચશે તેવું અનુમાન કર્યુ છે.
પહેલી મે સુધી આ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડવાની સંભાવના રહેલી છે. આગામી ૨૪ કલાકમાં આ વાવાઝોડુ પ્રચંડ તોફાનમાં તબદીલ થશે તેવી આગાહી પણ આપવામાં આવી છે. ૨૭ એપ્રિલના રોજ આ વાવઝોડુ ચેન્નઇથી ૧૧૯૦ કિમી દૂર સમુદ્રમાં હતુ.
આગામી દિવસોમાં તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને શ્રીલંકા નજીકનો સમુદ્ર તોફાની બનશે. મોજાની ઉંચાઇ પણ વધશે. ઉપરાંત સમુદ્રમાં હવાની ગતિ ૧૪૫ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
જેને પગલે હવામાન વિભાગે ૨૭ એપ્રિલથી લઇને ૧ મે સુધી માછીમારોને દરિયામાં ન જવા માટેની સુચના આપી છે. ઉપરાંત જે લોકો સમુદ્રમાં છે તેમને ૨૮ તારીખ સુધીમાં પરત ફરવાનું જણાવ્યુ છે. વાવાઝોડાની શક્યતાને પગલે આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં હાઇ એલર્ટ જાહેર કર્યુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vrhOdD
via Latest Gujarati News
0 Comments