મમતા બેનર્જીને PM મોદીના કુર્તાની સાઈઝ કઈ રીતે ખબર? : રાજ બબ્બર


(પીટીઆઈ) કોલકાતા, તા. 27 એપ્રિલ, 2019, શનિવાર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાજ બબ્બરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અંગે કટાક્ષ કરીને તૃણમૂલ કોંગ્રેસના નેતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુર્તાનું માપ કઈ રીતે ખબર છે તેવું આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. હકીકતે એક ઈન્ટરવ્યુ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી તેમને મીઠાઈ અને કુર્તા ભેટમાં મોકલે છે તેવો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેમણે વિપક્ષના અનેક નેતાઓ સાથે તેમના સંબંધો સુમેળભર્યા હોવાનું જણાવ્યું હતું. 

આ મુદ્દે ઉપહાસ કરતા રાજ બબ્બરે કહ્યું હતું કે 'પશ્ચિમ બંગાળની બે વસ્તુઓ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત છે, એક પનીરથી બનેલી મીઠાઈઓ અને બીજું કુર્તા. પરંતુ આજ સુધી મમતા બેનર્જીએ આ વસ્તુઓ અમને કે અન્ય કોઈને પણ નથી મોકલી. જો તેઓ આ વસ્તુને ભેટમાં આપવા માંગે છે તો ફક્ત એક જ વ્યક્તિને મોકલે છે. માટે તમે સમજી શકો છો કે તેઓ મોદીના કુર્તાનું માપ જાણે છે.

પહેલા આપણે મોદીની છાતીનું માપ ૫૬ ઈંચ છે કે કેમ તેવો સવાલ કરતા હતા.' અભિનેતા અક્ષય કુમારને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી તેમને દર વર્ષે બે કુર્તા અને મીઠાઈ મોકલે છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ તેમને વર્ષમાં ત્રણ-ચાર વખત ખાસ ઢાકાની મીઠાઈ મોકલતા હોવાનું કહેલું.

વધુમાં જ્યારે મમતા દીદીને આ અંગે જાણ થઈ તો તેમણે પણ વર્ષમાં એકાદ-બે વખત મીઠાઈ મોકલવાનું શરુ કર્યું હોવાનું કહ્યું હતું.  રસપ્રદ વાત એ છે કે મમતા બેનર્જી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારની ખુલેઆમ ટીકા કરતા જોવા મળે છે. અને તેઓ હંમેશા જીએસટી અને નોટબંધી મુદ્દે વિરોધ કરતા આવ્યા છે. 

ગત સપ્તાહે પણ મમતા બેનર્જીએ નોટબંધીના કારણે લોકો આજે પણ હેરાન થઈ રહ્યા હોવાનું કહીને તેઓ લોકોને રસગુલ્લા મોકલે છે, પૂજા વખતે ભેટ પણ મોકલે છે પરંતુ એક પણ મત નહીં આપે તેવી પ્રતિક્રિયા આપી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PxMpPW
via Latest Gujarati News

Post a Comment

0 Comments