
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 3 મે 2019, શુક્રવાર
હિંદી સિનેમામાં કપૂર ખાનદાન અને તેના આરકે ફિલ્મ સ્ટુડિયોનું ઘણું યોગદાન રહ્યું છે. બે વરસ પહેલા આ સ્ટુડિયોમાં અચાનક આગ ફાટી નીકળતાં ઘણું નુકસાન થયું હતું. ત્યાર બાદ કપૂર પરિવારે આ ઐતિહાસિક ધરોહરને વેંચી દેવાનો નિર્ણય લીધો હતો. ગયા વરસથી કપૂર પરિવાર એક સારા ખરીદદારની શોધમાં હતા, જે તેમને સ્ટુડિયોની યોગ્ય કિંમત આપી શકે. અંતે તેમની આ ખરીદદાર મળી ગયો છે.
સાલ ૨૦૧૮માં કપૂર પરિવારની આ કંપની સાથે આ સ્ટુડિયો બાબત વાતચીત ચાલતી હતી ત્યારે આ સ્ટુડિયોની જમીનનો સોદો રૂપિયા ૨૦૦ કરોડથી વધુ થાય તેવી શક્યતા સેવાઇ હતી. જોકે હાલ આ સોદો કેટલામાં થયો છે તે જાણવા મળ્યું નથી.
કપૂર પરિવારે ગોદરેજ કંપની સાથે પોતાનો આરકે સ્ટુડિયોનો સોદો કરી નાખ્યો છે. આ જાણકારી ગોદરેજ કંપની તરફથી આવી છે. પરંતુ આ ડીલ કેટલામાં થઇ તેનો ફોડ તેમણે પાડયો નથી. કંપની આ જમીન પર લકઝરી ફ્લેટ બનાવાની છે.
ગોદરેજ કંપનીના પ્રવકતાના પ્રમાણે, ૩૩,૦૦૦ સ્કે.ફૂ. જમીનનો ઉપયોગ લકઝરી ફ્લેટ બનાવા માટે કરવામાં આવશે. આ ઐતિહાસિક ધરોહરને કંપનીએ પોતાના પોર્ટફોલિયોમાં સામેલ કર્યો છે. જ્યારે રણધીર કપૂરે જણાવ્યું હતું કે, ચેંબુર સ્થિત અમારા પરિવારની આ મહત્વ ધરોહર રહી છે. હવે આ પ્રોપર્ટીને ગોદરેજે પસંદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, બે વરસ પહેલા ૨૦૧૭માં આરકે સ્ટુડિયામાં આગ લાગતા ઘણું નુકસાન થયું હતું. એ પછી કપૂર પરિવારે આ સ્ટુડિયોને વેંચવાનો નિર્ણય લીધો હતો. મશહૂર અભિનેતા રાજ કપૂરે ૧૯૪૮માં આ સ્ટુડિયોનીનો પાયો મૂક્યો હતો. આ સ્ટુડિયામાં તેમણે ઘણી ફિલ્મો નિર્માણ કરી હતી. આ સ્ટુડિયોમાં કપૂર પરિવાર ગણેશ ઉત્સવ ધામધૂમથી મનાવતો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VMT6mw
via Latest Gujarati News
0 Comments