
વાતચીતથી નિકાલ માટે કમિટીમાં પૂર્વ જજ એફ એમ આઇ કલિફુલ્લા, શ્રી શ્રી રવિશંકર, વરીષ્ઠ વકીલ શ્રીરામ પંચુનો સમાવેશ કર્યો હતો
રામ મંદિર વિવાદ મુદ્દે અલ્લાહાબાદ હાઇકોર્ટે આપેલા ચુકાદા બાદ સુપ્રીમમાં 14 અરજીઓ પેન્ડિંગ
નવી દિલ્હી, તા. 9 મે, 2019, ગુરૂવાર
રામ જન્મ ભૂમિ વિવાદને લઇને એક ત્રણ સભ્યોની મધ્યસ્થી કમિટીની રચના કરવામાં આવી હતી, આ કમિટીએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી લીધો છે અને તેને સુપ્રીમ કોર્ટને સોપી દેવામાં આવ્યો છે. આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલો છે કે સુપ્રીમ કોર્ટ હવે શુક્રવારે આ સમગ્ર મામલાની સુનાવણી કરશે. આ પહેલા આઠમી માર્ચે સરકારે જે આદેશ આપ્યો હતો તે બાદ પહેલી વખત મામલાની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે થવા જઇ રહી છે.
મધ્યસ્થી અંગે જ્યારે સુપ્રીમ કોર્ટે સલાહ આપી હતી ત્યારે હિંદુ સંગઠનોમાંથી કેટલાકે એવી પણ દલીલ કરી હતી કે અગાઉ પણ મધ્યસ્થી દ્વારા સમગ્ર મામલાના નિરાકરણના પ્રયાસો થઇ ચુક્યા છે પણ તેનું કોઇ યોગ્ય પરીણામ નથી આવ્યું. તેથી ફરી આ જ પ્રકારના પ્રયાસો કરવાનો કોઇ મતલબ નથી. જોકે કેટલાક સંગઠનોએ તેની તરફેણ પણ કરી હતી.
તેથી અંતે સુપ્રીમ કોર્ટે એક ત્રણ સભ્યો વાળી મધ્યસ્થી કમિટીની રચના કરી હતી, અને તેમની સિટિંગ વ્યવસ્થા અયોધ્યાથી સાત કિમી દુર ફૈઝાબાદમાં કરી હતી, સાથે કમિટીને સંપૂર્ણ સુરક્ષા અને અન્ય વ્યવસ્થા કરી આપવાની જવાબદારી રાજ્ય સરકારને સોપી હતી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે જે પણ મધ્યસ્થી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે કેમેરા સામે કરવામાં આવશે. આ કમિટીમાં પૂર્વ જજ એફ એમ આઇ કલિફુલ્લા, શ્રી શ્રી રવિશંકર, વરીષ્ઠ વકીલ શ્રીરામ પંચુનો સમાવેશ કર્યો હતો.
બાદમાં કમિટીએ મધ્યસ્થીની પ્રક્રિયા હાથ ધરી હતી. હવે આ કમિટીએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી સુપ્રીમ કોર્ટને સોપી દીધો છે. અલ્લાહાબાદ હાઇકોર્ટે ૨૦૧૦માં જે ચુકાદો આપ્યો હતો તે અંગે સુપ્રીમ કોર્ટમાં બન્ને પક્ષો અને અન્યો દ્વારા આશરે ૧૪ જેટલી અરજી થઇ છે. આ અંગે હજુસુધી કોઇ અંતીમ નિર્ણય સુપ્રીમ કોર્ટે નથી લીધો અને મધ્યસ્થી કમિટીની રચના કરી છે જેથી વાતચીત દ્વારા સમગ્ર મામલાનું નિરાકરણ લાવી શકાય. સુપ્રીમ કોર્ટમાં હાલ મધ્યસ્થ કમિટીએ રિપોર્ટ પણ જમા કરાવી દીધો છે જેથી શુક્રવારે હવે આ અંગે સુનાવણી થવા જઇ રહી છે.
અલ્લાહાબાદ હાઇકોર્ટે પોતાના ચુકાદામાં વિવાદીત સ્થળને ત્રણ ભાગોમાં વિભાજીત કરી લેવા કહ્યું હતું જેમાં એક ભાગ રામ લલ્લાના પક્ષમાં, એક અખાડા અને એક વકફ બોર્ડના ફાળે આવ્યો હતો, જોકે આ ચુકાદા બાદ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ થવા લાગી અને હવે તેની સંખ્યા વધીને ૧૪ જેટલ થઇ ગઇ છે. તેથી હવે સમગ્ર મામલે શુક્રવારે કોઇ નિકાલ આવે તેવી શક્યતાઓ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vt4k0a
via Latest Gujarati News
0 Comments