
(પીટીઆઈ) શિમલા, તા. 9 મે, 2019, ગુરૂવાર
ચૂંટણી અધિકારીઓએ હિમાચલ પ્રદેશના આંતરિયાળ શક્તિ ગામના મતદાન મથક સુધી પહોંચવા માટે આશરે ૨૨ કિમી જેટલું સીધું ચઢાણ સર કરવું પડશે. કુલ્લુ જિલ્લાના બંજાર પેટા વિભાગમાં આવેલું શક્તિ ગામ રાજ્યનું દૂરસ્થ મતદાન મથક છે અને રાજ્યના સૌથી વૃદ્ધ મતદાતા શરી દેવી પણ તે વિસ્તારમાં જ વસે છે.
શરી દેવીનું ઘર મતદાન મથકથી ૨૦૦ મીટરની દૂરીએ આવેલું છે. ચૂંટણી પંચે આ વખતે શતાયુ મતદાતાઓ માટે પરિવહનની વ્યવસ્થા કરેલી છે અને તેમનું ગુલદસ્તાઓ અને ફૂલોની માળાઓ વડે સન્માન કરવામાં આવશે. અતિરિક્ત મુખ્ય ચૂંટણી અધિકારી ડી.કે. રતને જણાવ્યા પ્રમાણે શરી દેવી રાજ્યના સૌથી વૃદ્ધ મતદાતા છે અને તેમને મતદાન મથક સુધી લાવવા માટે પાલખીની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
શરી દેવીએ જણાવ્યું કે તેમને ચોક્કસ આંકડો યાદ નથી પરંતુ તેમણે અનેક વખત મતદાન કરેલું છે. તેમણે પોતે પોતાના ગામ માટે રસ્તાઓ અને વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવા વચન આપશે તે ઉમેદવારને મત આપશે તેમ જણાવ્યું. શરી દેવીના પતિ ગુમત રામ થોડા વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા અને હવે તેઓ પોતાના પૌત્ર-પૌત્રીઓ સાથે રહે છે. સૈંજ ઘાટીમાં દૂરના વિસ્તારમાં આવેલા ગામોમાં આજે પણ વીજળી, પાણી અને રસ્તાની સુવિધાનો અભાવ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hf3sSS
via Latest Gujarati News
0 Comments