જયપુર/નવી દિલ્હી, તા. 27 મે, 2019, સોમવાર

લોકસભાની ચૂંટણીમાં પછડાટ ખાધા પછી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થયો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધ્યાની અટકળો તીવ્ર બની હતી. અશોક ગેહલોતને હટાવવાની આંતરિક માગણી વધી છે. રાહુલ ગાંધી પણ ગહેલોતથી નારાજ હોવાનું કહેવાય છે.

રાજસ્થાનમાં કોંગ્રેસની કરારી શિકસ્ત પછી રાજસ્થાન સરકારના મંત્રીઓએ જ મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે સવાલો ઉઠાવ્યા છે. એક મંત્રી અને ધારાસભ્યએ નિવેદન આપ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસની હાર થઈ તેની પાછળની જવાબદારી નક્કી થવી જોઈએ. અશોક ગેહલોત અને સચિન પાયલટના સમર્થકો વચ્ચે ફરીથી ખટરાગ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે. એક મંત્રીનો રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આડકતરી રીતે અશોક ગેહલોત અને કમલનાથ ઉપર પુત્રોને વિજયી બનાવવાની કોશિશમાં પાર્ટીના કામમાં ધ્યાન ન આપી શક્યા એવો આરોપ લગાવ્યો હતો. તે પછી રાહુલ ગાંધી અશોક ગેહલોત અને કમલનાથથી નારાજ હોવાની અટકળો વધી ગઈ હતી.

રાહુલ ગાંધીને સુપરત થયેલા અહેવાલ પ્રમાણે અશોક ગેહલોતે કુલ ૧૩૦ સભાઓ-રેલીઓ સંબોધી હતી, પણ તેમાંથી ૯૩ સભા-રેલી જોધપુર બેઠકમાં સંબોધી હતી. જોધપુર બેઠક ઉપરથી અશોક ગેહલોતનો પુત્ર ચૂંટણી લડતો હતો.

બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસની સરકાર લઘુમતીમાં હોવાનો દાવો થયો હતો. ભાજપના વિપક્ષના નેતાઓ સરકારને વિશ્વાસનો મત સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો. મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસમાં આંતરિક કલહ વધ્યો હતો. જોકે, કમલનાથે એક નિવેદનમાં કહ્યું હતું કે તેમની સરકાર સામે કોઈ જ ભય નથી અને જરૂર પડશે તો વિશ્વાસનો મત સાબિત કરી દેશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JIeW5j
via Latest Gujarati News