નવી દિલ્હી, તા. 9 મે 2019, ગુરુવાર
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બેવડી નાગરિકતાના આરોપમાં રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે આ અંગે દાખલ કરવામાં આવેલી યાચિકા ફગાવી દીધી. યાચિકામાં માંગ કરવામાં આવી હતી કે કોર્ટ ગૃહ મંત્રાલયને નિર્દેશ આપે કે તે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે મળેલી ફરિયાદ પર જલ્દી નિર્ણય કરે. યાચિકામાં રાહુલ ગાંધીને ચૂંટણી લડવા માટે અયોગ્ય ઠરાવવાની માંગ પણ કરવામાં આવી હતી.
કેસની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ ટિપ્પણી કરી કે કોઇ કંપની કોઇ ફોર્મમાં રાહુલ ગાંધીને બ્રિટિશ નાગરિક તરીકે દર્શાવે તો શું તેઓ બ્રિટીશ નાગરિક બની ગયા? ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની અધ્યક્ષતા હેઠળની બેન્ચે યુનાઇટેડ હિન્દુ ફ્રન્ટ અને હિન્દુ મહાસભા તરફથી દાખલ કરવામાં આવેલી યાચિકા પર સુનાવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ જારી કરીને 15 દિવસમાં જવાબ માંગ્યો હતો. સ્વામીએ આરોપ મૂક્યો હતો કે બ્રિટિશ નાગરિક હોવાના નાતે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30604T0
via Latest Gujarati News
0 Comments