ભાજપ સરકારે આતંકીઓના ઘૂંટણીએ પડી મસૂદ અઝહરને છોડયો હતો : રાહુલ


રફાલ સહિતના કૌભાંડો મુદ્દે અનિલ અંબાણીના ઘરને છોડીને કોઇ પણ સ્થળે મોદી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છું : રાહુલનો પડકાર

નવી દિલ્હી, તા. 4 મે, 2019, શનિવાર

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને મસૂદ અઝહરને છોડી મુકવા બદલ તત્કાલીન એનડીએ સરકારની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દેશનું સૈન્ય મોદીની અંગત સંપત્તિ નથી.

સાથે જ જૈશ-એ-મોહમ્મદના સ્થાપક અને હાલમાં જ વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવેલા મસૂદ અઝહરને છોડી મુકવા બદલ તત્કાલીન એનડીએ સરકાર પર પ્રહારો કર્યા હતા. મોદી પોતાના ચૂંટણી પ્રચારમાં સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકનો વારંવાર ઉલ્લેખ કરે છે. જેથી કોંગ્રેસે પણ પોતાના શાસન દરમિયાન કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકની તારીખો જાહેર કરી હતી. 

જોકે મોદીએ કોંગ્રેસના શાસન દરમિયાન થયેલી સર્જિકલ સ્ટ્રાઇકને વીડિયો ગેમ ગણાવી હતી. મોદીના આ નિવેદનને ટાંકીને રાહુલ ગાંધીએ મોદી પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મોદી કોંગ્રેસના શાસનમાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકને વીડિયો ગેમ ગણાવીને સૈન્યનું અપમાન કરી રહ્યા છે. એટલુ જ નહીં રાહુલે મસૂદ અઝહર મુદ્દે પણ અગાઉની સરકારને ઘેરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભાજપની સરકારે મસૂદ અઝહરને છોડી મુક્યો હતો, કોંગ્રેસે નહીં. 

રાહુલે સવાલો કર્યા હતા કે મસૂદ અઝહરને પાકિસ્તાન કોણે મોકલ્યો હતો? કોણ તેને પાકિસ્તાન સુધી મુકવા ગયું હતું? શું કોંગ્રેસ પાર્ટી ગઇ હતી? કોની સરકાર આતંકીઓ સામે ઘૂંટણીએ પડી હતી ? ૧૯૯૯માં તે સમયની ભાજપ સરકારે મસૂદ અઝહરને પાકિસ્તાન મોકલ્યો હતો અને આતંકીઓ સામે ઘૂંટણીએ પડી ગઇ હતી. નોંધનીય છે કે ૧૯૯૯માં પ્લેન હાઇજેકિંગની ઘટનાને પગલે મસૂદ અઝહર અને તેના અન્ય સાથી આતંકીઓને તત્કાલીન ભાજપ સરકારે છોડી દીધા હતા. જેને પગલે રાહુલે આ પ્રહારો કર્યા હતા. 

હાલ સંયુક્ત રાષ્ટ્રએ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કર્યો જેને લઇને મોદી પોતાની સરકારના વખાણ કરી રહ્યા છે ત્યારે રાહુલે આ ટોણો માર્યો હતો અને મસૂદને છોડી મુકવાની તે સમયની ઘટનાને યાદ અપાવી દાવો કર્યો હતો કે ભાજપ સરકાર આતંકીઓના ઘૂંટણીએ પડી હતી અને મસૂદને છોડી મુક્યો હતો.

આ ઉપરાંત સૈન્યની કામગીરીનો શ્રેય લેવાનો આરોપ પણ રાહુલે મોદી અને ભાજપ પર લગાવ્યો હતો. રફાલ ડીલને ટાંકીને ટોણો મારતા કહ્યું હતું કે હું મોદી સાથે અનિલ અંબાણીના ઘર સીવાય કોઇ પણ સ્થળે ચર્ચા કરવા તૈયાર છું. નોટબંધી લાદી લોકોના પૈસા લઇને મોદી સરકારે અનિલ અંબાણી જેવાને આપી દીધા.  તેમણે જણાવ્યું હતું કે મોદીને લાગી રહ્યું છે કે સૈન્ય, નેવી, એરફોર્સ તેમની પોતાની અંગત સંપત્તિ છે. 

ચૂંટણી પંચ વિપક્ષ સાથે ભેદભાવ કરી રહ્યું છે : રાહુલ

નવી દિલ્હી, તા. ૪

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચૂંટણી પંચ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ હાલ વિપક્ષની સાથે ભેદભાવભરી નીતીથી કામ કરી રહ્યું છે. કોંગ્રેસની આચાર સંહિતા ભંગની ફરિયાદોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ક્લિનચિટને ટાંકીને રાહુલ ગાંધીએ આ આરોપો ચૂંટણી પંચ પર લગાવ્યા હતા. કોંગ્રેસે મોદી અને અમિત શાહ વિરુદ્ધ કુલ ૧૧ ફરિયાદો કરી હતી જેમાં આચાર સંહિતા ભંગના આરોપો લગાવ્યા હતા. જેમાંથી ત્રણ ફરિયાદોમાં મોદીને ક્લિનચિટ મળી ગઇ છે. જેને પગલે રાહુલે આ આરોપો લગાવતા કહ્યું હતું કે માત્ર વિપક્ષના લોકોને જ ચૂંટણી પંચ ટાર્ગેટ બનાવી રહ્યું છે જ્યારે સત્તાપક્ષના લોકો જે આચાર સંહિતા ભંગ કરી રહ્યા છે તે નથી દેખાતી.

ભાજપ હારશે, મોદીના ચેહરા પર ડર દેખાય છે : કોંગ્રેસનો દાવો

નવી દિલ્હી, તા. ૪

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ચાર તબક્કાના મતદાનનું અમારુ ગુપ્તચર રિપોર્ટનું અનુમાન કહે છે કે ભાજપ ખરાબ રીતે હારી રહી છે જ્યારે કોંગ્રેસ જીતી રહી છે. અને આ હાર અત્યારથી જ ભાજપના નેતાઓ અને મોદીના ચેહરા પર પણ જોવા મળી રહી છે. મને હાલ ભાજપનું કોઇ જ સ્ટ્રેટેજિક કેમ્પેઇન નથી જોવા મળી રહ્યું. હાલથી જ મને મોદીના ચેહરા પર હારનો ડર દેખાઇ રહ્યો છે, તેઓ ઘબરાયેલા છે, તેઓ ફરી વડા પ્રધાન નહીં બને કેમ કે ભાજપ હારી રહી છે અને કોંગ્રેસ જીતી રહી છે. અમારુ અંગત ગુપ્ત રિપોર્ટનું અનુમાન અમને આ આંકડા અને માહિતી આપી રહ્યું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DPIiKn
via Latest Gujarati News

Post a Comment

0 Comments