
(પીટીઆઈ) કોલંબો, તા. 5 મે, 2019, રવિવાર
એકાદ પખવાડિયા પહેલા થયેલા આત્મઘાતી હુમલાઓને કારણે હિંદ મહાસાગરમાં આવેલા શ્રીલંકન દ્વીપના ૪.૪ અબજ ડોલરના પ્રવાસન ઉદ્યોગને ભારે મોટો ફટકો પડયો છે. ઈસ્ટર સન્ડેના રોજ ઈસ્લામિક સંગઠનના આત્મઘાતી હુમલાખોરોએ ચર્ચ અને વૈભવી હોટેલ્સમાં વિસ્ફોટો કર્યા હતા જેમાં ૨૫૦થી વધારે શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓના મોત થયા હતા.
આતંકી સમૂહ ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. શ્રીલંકામાં હુમલાની આશંકાથી વિશ્વભરના અનેક પ્રવાસીઓ તેમની હોટેલ અને ફ્લાઈટની ટિકિટ કેન્સલ કરાવી રહ્યા છે. શ્રીલંકન જીડીપીમાં પ્રવાસન ઉદ્યોગ પાંચ ટકા જેટલો ફાળો આપે છે પરંતુ આતંકી હુમલા બાદ પ્રવાસન ઉદ્યોગને અસર પહોંચી છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ આ ઘટનાને દેશના અર્થતંત્ર અને પ્રવાસન ઉદ્યોગ માટે ફટકા સમાન ગણાવી છે. દેશના અર્થતંત્રના વિકાસ માટે તેનો પર્યટન ઉદ્યોગ આતંકી હુમલા પહેલા જે સ્થિતિમાં હતો ત્યાં ફરીથી પહોંચે તે ખૂબ જ જરુરી છે. એક અહેવાલ પ્રમાણે આતંકી હુમલાઓ બાદ એપ્રિલ-મે મહિનામાં નેટ હોટેલ બુકિંગના પ્રમાણમાં ગત વર્ષની સરખામણીએ ખૂબ વધારે કહી શકાય તેવો ૧૮૬ ટકાનો ઘટાડો નોંધાયો છે જેમાં રાજધાની કોલંબોને સૌથી મોટું નુકસાન ગયું છે.
શ્રીલંકન પ્રવાસન વિભાગના અધ્યક્ષ કિશુ ગોમ્સે અમુક એરલાઈન્સે શ્રીલંકા સાથેનો સંપર્ક કાપી નાંખ્યો હોવાનું જણાવ્યું. તેમણે જણાવ્યું કે ૨૦૦૯માં તમિલ અલગાવવાદીઓ સાથેના એકાદ દશકા સુધી ચાલેલા આંતરવિગ્રહના અંત બાદ દેશના ૧૬૦૦ કિમી લાંબા દરિયા કાંઠે પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો હતો. ગત વર્ષે પ્રવાસન ઉદ્યોગ દેશને વિદેશી હુંડિયામણ રળી આપનારો ત્રીજા નંબરનો સૌથી મહત્વનો સ્ત્રોત હતો અને તે ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો હતો.
એક સમયે દરિયા કાંઠાની વૈભવી હોટેલ્સમાં બુકિંગ ફુલ રહેતું હતું પરંતુ હુમલા બાદ તમામ બુકિંગ કેન્સલ થયા અને આગામી સમય માટે કોઈ જ રુમ નથી નોંધાઈ રહ્યા. એક હોટેલની માલિકણે જણાવ્યા પ્રમાણે ભાવિ ઓક્ટોબર મહિના માટે પણ હાલમાં કોઈ જ રુમ બુક નથી થઈ રહ્યા અને જો આ સ્થિતિ કાયમ રહેશે તો તેણે પોતાના કર્મચારીઓને છૂટા કરવાનો વારો આવશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PK8t9Y
via Latest Gujarati News
0 Comments