બીકેસીમાં ટ્રાફિકની અંધાધૂંધી અંકુશમાં લેવા એક તરફી વાહન વ્યવહારની વિચારણા


મુંબઇ તા.07 મે 2019, મંગળવાર

ધસારાના સમયે રોજ ૫૦ હજારથી પણ અધિક વાહનો બાન્દરા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)માં પ્રવેશતા હોવા સાથે મુંબઇ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટિ (એમએમઆરડીએ) બીકેસીના તમામ આતંકરીક રોડ પર વનવે ટ્રાફિક (એક તરફી વાહન વ્યવહાર)ની વ્યવસ્થા કરીને  ટ્રાફિકની અંધાધૂંધીને અંકુશમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે.

એમએમઆરડીએ વિશાળ કદની કમર્શિયલ ઓફિસોનાં બિલ્ડિંગો ધરાવતા બીકેસના સ્પેશ્યલ પ્લાનિંગ ઓથોરિટિ છે વન વે ટ્રાફિક વ્યવસ્થાનો પાઇલટ પ્રોજેક્ટ આગામી બે-ત્રણ સપ્તાહમાં સોફટેલ બિલ્ડિંગ અને ટ્રાઇડન્ટ  ધરાવતા બીકેસીના 'જી' બ્લોકથી શરૂ કરવામાં  આવશે. આ અજમાયશ સફળ થઇ તો એક તરફી વાહનવ્યવહારની વ્યવસ્થા સમગ્ર બીકેસીમાં અમલમાં મૂકાશે.

આ એજન્સીએ આ યોજના માટે મુખ્ય પ્રધાનના નેતૃત્વમાંની ઓથોરિટિની પરવાનગીની માગણી ગયા  ફેબુ્રઆરીમાં કરી હતી. ટ્રાફિક પોલીસે આ રીતની વાહનવ્યવહારની વ્યવસ્થાને સૈદ્ધાતિંક મંજૂરી આપી છે.

વાહનોની આટલી મોટી સંખ્યા તથા હાલમાં ચાલતાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટનાં કામકાજને કારણે પણ ટ્રાફિકની અંધાધૂંધી સર્જાય છે. આ પ્રોજેક્ટ્સમાં કલાનગર ફલાયઓવર, બીકેસી-ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જોડ માર્ગ, સાન્તાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડનું વિસ્તરણ તથા અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-૩ (કોલાબા-બાન્દ્રા-સિપ્ઝ)નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામકાજ પણ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. ત્યારે વાહનવ્યવહારને વધુ વ્યવસ્થિત કરવો વધુ મહત્વનું બની રહે  છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H5pveT
via Latest Gujarati News

Post a Comment

0 Comments