રોમ, તા.૧૯

ક્લે કોર્ટ કિંગ તરીકેની ઓળખ ધરાવતા સ્પેનિશ સુપરસ્ટાર નડાલે ફાઈનલમાં વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચને ૬-૦, ૪-૬, ૬-૧થી હરાવીને ૯મી વખત ઈટાલીયન ઓપન માસ્ટર્સ ૧૦૦૦ સિરીઝ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. ૩૨ વર્ષના નડાલે આ સાથે ૨૬મી મે થી શરૃ થઈ રહેલી ક્લે કોર્ટ  ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપ - ફ્રેન્ચ ઓપન-માં રેકોર્ડ ૧૨મું ટાઈટલ જીતવાની આશા જીવંત રાખી છે.

નડાલે આ સાથે સિઝનનું સૌપ્રથમ ટાઈટલ પણ મેળવ્યું હતુ. તેણે યોકોવિચ સામે સતત બે હાર બાદ આ પહેલી જીત મેળવી છે. યોગાનુંયોગ નડાલે છેલ્લે યોકોવિચ સામે ગત વર્ષે ઈટાલિયન ઓપનની સેમિ ફાઈનલમાં વિજય મેળવ્યો નહતો. ઈટાલીયન ઓપનના ટાઈટલની સાથે નડાલે ટીકાકારોને જવાબ આપ્યો હતો, તેની સાથે સાથે કારકિર્દી ૫૦મી માસ્ટર્સ ૧૦૦૦ સિરીઝ ટુર્નામેન્ટની ફાઈનલમાં રેકોર્ડ ૩૪મું ટાઈટલ હાંસલ કર્યું હતુ. નડાલે બે કલાક અને ૨૫ મિનિટના સંઘર્ષમય મુકાબલામાં જીત હાંસલ કરી હતી.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2w9jEQJ
via Latest Gujarati News