વેસ્ટ ઈન્ડિઝના વર્લ્ડકપના રિઝર્વ ખેલાડીઓમાં બ્રાવો-પોલાર્ડ સામેલ

જમૈકા, તા.૧૯

વેસ્ટ ઈન્ડિઝે આગામી વર્લ્ડકપ માટેની ૧૫ ખેલાડીઓની ટીમની જાહેરાત બાદ વધુ ૧૦ ખેલાડીઓને રિઝર્વ પૂલમાં સામેલ કર્યા છે. વર્લ્ડકપની ટીમમા સામેલ કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત બને તો આ ૧૦ ખેલાડીમાંથી તેના રિપ્લેસમેન્ટની પસંદગી થશે. રસપ્રદ બાબત એ છે કે, વેસ્ટ ઈન્ડિઝે રિઝર્વ ટીમમાં ડ્વેન બ્રાવો અને કિરોન પોલાર્ડ જેવા ધુરંધરોને સામેલ કર્યા છે. બ્રાવો એ તો ગત વર્ષે જ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી, આમ છતાં તેને વિન્ડિઝના વર્લ્ડકપના સ્ટાર્સના કવરઅપ માટે પસંદ કરવામાં આવ્યો છે.

વર્લ્ડકપ માટેના રિઝર્વ ખેલાડીઓના નામ જાહેર કરતાં વચગાળાના ચેરમેન ઓફ સિલેક્ટર રોબર્ટ હાયનેસે કહ્યું કે, અમારી પાસે ઘણા દિગ્ગજ ખેલાડીઓ છે અને તેમને અમે રિઝર્વ પૂલમાં સામેલ કર્યા છે, જેથી વર્લ્ડકપમાં કોઈ પણ તબક્કે ટીમને રિપ્લેસમેન્ટની જરુર પડે તો અમે યોગ્ય ખેલાડીને ત્યાં મોકલી શકીએ. 

૩૦મી મે થી શરૃ થઈ રહેલા વર્લ્ડકપમાં ભાગ લેવા માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પહોંચી ચૂકી છે અને તેઓ સાઉમ્પ્ટનમાં કેમ્પનું આયોજન કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે તારીખ ૨૨મી મે એ સાઉથમ્પ્ટનમાં પ્રેક્ટિસ વન ડેનું આયોજન કરવામાં આવ્યું છે. 

વેસ્ટ ઈન્ડિઝની વર્લ્ડકપ ટીમ : હોલ્ડર (કેપ્ટન), ગેલ, રસેલ, કોટરેલ, ગેબ્રિયલ, રોચ, પૂરણ (વિ.કી.), નર્સ, એલન, હેતમાયેર, શાઈ હોપ (વિ.કી.), થોમસ , બ્રાથવેઈટ, ડેરૈન બ્રાવો, લુઈસ.

રિઝર્વ ટીમ : એમ્બ્રિસ, ડ્વેન બ્રાવો, કેમ્પબેલ, કાર્ટર, ચેઝ, ડોવરિચ, પોલ, પાયરે, રેઈફેર, પોલાર્ડ. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JQRfH2
via Latest Gujarati News

Post a Comment

0 Comments