વર્લ્ડ ચેમ્પિયનનો તાજ જાળવવાના ઈરાદા સાથે ઓસ્ટ્રેલિયાનું ઈંગ્લેન્ડમાં આગમન

લંડન, તા.૧૯

વર્લ્ડ ચેમ્પિયન તરીકેનો તાજ જાળવવાના ઈરાદા સાથે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનું ઈંગ્લેન્ડમાં આગમન થયું હતુ. ફિન્ચની કેપ્ટન્સી હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમમાં બોલ ટેમ્પરિંગ બદલ એક વર્ષનો પ્રતિબંધ ભોગવી ચૂકેલો ભૂતપૂર્વ કેપ્ટન સ્મિથ અને વાઈસ કેપ્ટન વોર્નર સામેલ છે. ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોએ લંડનના મેદાનમાં પ્રેક્ટિસ પણ શરૃ કરી દીધી હતી. વર્લ્ડકપના મેગા મુકાબલાનો તારીખ ૩૦મી મે થી પ્રારંભ થઈ રહ્યો છે, જે અગાઉ તારીખ ૨૪મી મે થી પ્રેક્ટિસ મુકાબલા ખેલાવાના છે.

ઓસ્ટ્રેલિયન કેમ્પ તેના સુપરસ્ટાર ખેલાડીઓ વોર્નર અને સ્મિથ તરફ ઈંગ્લેન્ડના સ્થાનિક ચાહકોના આક્રોશભર્યા પ્રતિભાવનો સામનો કરવા માટે સજ્જ છે. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટીન લેંગરે કહ્યું હતુ કે, વોર્નર અને સ્મિથ સારી રીતે જાણે છે કે, વર્લ્ડ કપ દરમિયાન તેમની સાથે કેવું વર્તન થવાનું છે. જોકે તેઓ આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. જોકે એક વર્ષના પ્રતિબંધને કારણે તેમની તરફનો લોકોનો રોષ થોડો તો શાંત પડયો છે. તેઓએ ભૂલ કરી હતી અને તેમની તેમને આકરી સજા મળી ચૂકી છે. તેઓ પણ આખરે માણસો જ છે અને એટલે તેમની ભૂલને ક્ષમ્ય ગણવી જોઈએ.

વોર્નર અને સ્મિથે આઇપીએલમાં રમીને વર્લ્ડકપની પૂર્વતૈયારી કરી હતી. આ પછી તેઓ ઘરઆંગણે ન્યુઝીલેન્ડ ઈલેવન સામે ત્રણ મેચની પ્રેક્ટિસ વન ડે સિરીઝ રમ્યા હતા, જેમાં સ્ટીવ સ્મિથે અનુક્રમે ૮૯ અને ૯૧ રનની ઈનિંગ રમી હતી, જ્યારે વોર્નરે ૩૯ રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપ અગાઉ તારીખ ૨૫મીએ ઈંગ્લેન્ડ સામે અને ૨૭મીએ શ્રીલંકા સામે પ્રેક્ટિસ મેચ રમશે. વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાનો સૌપ્રથમ મુકાબલો ૧લી જુલાઈએ અફઘાનિસ્તાન સામે થશે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jz4X2f
via Latest Gujarati News

Post a Comment

0 Comments