નવી દિલ્હી, તા. 7 મે 2019, મંગળવાર

લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કા પૂરા થઇ ચૂક્યાં છે અને હવે અંતિમ બે તબક્કા બાકી રહ્યાં છે. કુલ 543 લોકસભા બેઠકોમાંથી 425 બેઠકો માટે મતદાન થઇ ચૂક્યું છે અને માત્ર 118 બેઠકો પર મતદાન બાકી રહ્યું છે. એવામાં પાર્ટીઓ ચૂંટણીના પરિણામોને લઇને અનુમાન લગાવી રહી છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષની હારનો દાવો કરી રહ્યાં છે તો કોંગ્રેસના દાવા અનુસાર ભાજપની સરકાર જવી નક્કી છે.

જોકે આ બંને મુખ્ય પક્ષોના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે બિનભાજપી અને બિનકોંગ્રેસી દળોએ ત્રીજા મોરચાની કવાયત શરૂ કરી દીધી છે. આ દિશામાં પહેલા પગલાં અંતર્ગત તેલંગાણાના મુખ્યમંત્રી અને ટીઆરએસના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ ઉર્ફે KCRએ જુદાં જુદાં નેતાઓને મળવાનું શરૂ કરી દીધું છે. પોતાના અભિયાન અંતર્ગત KCRએ કેરળના મુખ્યમંત્રી અને માકપા નેતા પિનરઇ વિજયન સાથે મુલાકાત યોજી. બંને નેતાઓએ વર્તમાન રાજકીય ઘટનાક્રમ વિશે ચર્ચા કરી.

આ મુલાકાત બાદ કેસીઆર ચેન્નાઇ જશે અને ડીએમકે અધ્યક્ષ એમ.કે. સ્ટાલિનને મળશે. તો કર્ણાટકમાં કોંગ્રેસના સહયોગી એવા જેડીએસના નેતા અને મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામી પણ ચંદ્રશેખર રાવના સંપર્કમાં છે. જોકે KCRએ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, બીજુ જનતા દળ કે વાઇએસઆર કોંગ્રેસ સાથે વાતચીત કરી છે કે નહીં એ અંગે કોઇ માહિતી બહાર આવી નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JiN06O
via Latest Gujarati News