બિહારમાં કુશવાહાને ઝટકો : RLSPના બંને ધારાસભ્યો JDUમાં જોડાયા


પટણા, તા.26 મે, 2019, રવિવાર

બિહારમાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)ના નેતા ઉપેન્દ્ર કુશવાહના પક્ષના બંને ધારાસભ્યો આજે રાજ્યના શાસક પક્ષ જનતા દળ (યુનાઇટેડ)- જેડીયુ - માં જોડાઇ જતાં કુશ્વાહાને ભારે આંચકો સહવાનો આવ્યો છે. બિહાર વિધાનસભામાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (રાલોસપા)ના ખાતામાં ફક્ત બે ધારાસભ્યો હતા, જેઓ હવે જેડી(યુ)માં જોડાઇ ગયા છે.

બિહાર વિધાનસભાના અધ્યક્ષે રાલોસપાના બંને ધારાસભ્યોને જેડી(યુ)માં જોડાવાની પરવાનગી આપી દીધી છે. આ સાથે રાલોસપા વિધાનસભા પક્ષ જેડીયુ વિધાનસભા પક્ષમાં વિલીન થઇ ગયો. બિહાર વિધાનસભા અધ્યક્ષે આ સાથે રાલોસપાના બંને ધારાસભ્યોને જેડીયુના ધારાસભ્યો સાથે બેસવાની સ્વીકૃતિ આપી છે.

બિહાર વિધાનસભામાં હવે આરજેડીના ૮૦, જેડીયુના ૭૧ (હવે ૭૩), કોંગ્રેસના ૨૭, લોકજનશક્તિ પાર્ટીના ૨, હિંદુસ્તાન અવામ મોરચાના ૧ તથા અન્ય પક્ષોના ખાતામાં ૭ ધારાસભ્ય છે.

આ વખતની સંસદીય ચૂંટણી રાલોસપા આરજેડી ગઠબંધન સાથે રહીને લડી હતી. બેઠકોની વહેંચણી મુદ્દે એનડીએ સાથે મતભેદ થતાં એણે એનડીએને પડતું મૂકી ગઠબંધન સાથે જોડાણ કર્યું હતું. રાલોસપાના નેતા ઉપેન્દ્ર કુશ્વાહા એકસાથે બે બેઠકો પરથી ચૂંટણી લડયા અને બંને સ્થળેથી હારી ગયા.

રાલોસપાના બે ધારાસભ્યો અને એક વિધાન પરિષદના સભ્યે વિલય માટે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો હતો. આ ધારાસભ્યો છે લલન પાસવાન અને સુધાંશુ શેખર. એમની સાથે પક્ષના એક માત્ર વિધાન પરિષદના સભ્યે પણ જેડીયુ વિધાન પરિષદ પક્ષમાં જોડાવા માટે વિધાન પરિષદના અધ્યક્ષને પત્ર આપ્યો છે. એક રીતે, રાલોસપાનું અસ્તિત્વ લગભગ ભૂંસાઇ ગયું છે, કારણ કે આ પક્ષના હવેના કોઇ સંસદસભ્ય છે, ના કોઇ ધારાસભ્ય.

ઉપેન્દ્ર કુશ્વાહાએ ૨૦૧૩માં જેડીયુથી અલગ પડયા પછી રાલોસપાની સ્થાપના કરી હતી. આ પક્ષે ૨૦૧૪માં ભાજપ સાથે મળીને લોકસભા ચૂંટણી લડી હતી અને પોતાની ત્રણે ય બેઠકો જીતી ગયો હતો. ઉપેન્દ્ર કુશ્વાહા કેન્દ્રમાં રાજ્યમંત્રી બન્યા હતા. જો કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી અગાઉ બેઠક સંખ્યાના મામલે એમડીએ સાથે ગોઠવણ થઇ શકી નહિ, અને તેઓ મહાગઠબંધનમાં જોડાઇ ગયા.

મહાગઠબંધને કુશ્વાહાને પાંચ બેઠકો ફાળવી, પરંતુ પાર્ટી એક પણ બેઠક જીતી શકીે નહિ. ઉજિયારપુર અને કારાકોટ - એમ બે બેઠક પરથી ચૂંટણીમાં ઉભા રહેલા ઉપેન્દ્ર કુશ્વાહા બંને સ્થળે હારી ગયા.

ઉપેન્દ્ર કુશ્વાહાએ એનડીએ છોડયું  એ જ વખતે એમના પક્ષના બે ધારાસભ્યો અને એક વિધાન પરિષદના સભ્યે એમની સામે બળવો કરીને મહાગઠબંધનનો  ભાગ બનવાની ના પાડી હતી.

ત્યારથી જ આ ધારાસભ્યો એનડીએના સંપર્કમાં હતા. ખાસ તો પોતાને જેડીયુનો હિસ્સો સમજીને ચાલી રહ્યા હતા, પરંતુ બે દિવસ અગાઉ શુક્રવારે વિધાનસભા પક્ષે જેડીયુમાં વિલીન થવાનો ફેંસલો કર્યો. વિલય માટેનો પત્ર વિધાનસભા અધ્યક્ષને સોંપ્યો જેનો સ્વીકાર કરી લેવાયો.

કોણ અસલી રાલોસપા છે એનો નિર્ણય હવે ચૂંટણી પંચે કરવાનો છે, કારણ કે એની રચના થયા પછી એના કેટલાય ટુકડા થઇ ગયા છે. સૌથી પહેલાં જેહાનાબાદથી ૨૦૧૪માં ચૂંટણી જીતેલા અરૃણ કુમારે ઉપેન્દ્ર કુશ્વાહા સામે બળવો કરી પોતે અસલી રાલોસપા હોવાનું જણાવ્યું. એ પછી ઉપેન્દ્ર કુશ્વાહાએ એનડીએ છોડતા ધારાસભ્યો બળવાખોર બની ગયા અને તેઓ પોતાને અસલી રાલોસપા ગણાવવા લાગ્યા.

કુશ્વાહાએ લોકસભા ચૂંટણીમાં પરાજ્ય સ્વીકારતા જણાવ્યું કે જનતાનો નિર્ણય માથા પર... એમણે ટ્વીટ કરતા ઉમેર્યું કે ''મહાગઠબંધન, સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) કોઇના પર આક્ષેપ કરવાના બદલે આત્મમંથન કરવાનો સમય છે. આ વિજય કોઇ ઉમેદવાર કે રાજ્ય સરકારમાં સત્તા પર બેઠેલા નેતાઓનો નથી, વિપક્ષી નેતાઓ પ્રજાની નાડને પારખવામાં નિષ્ફળ નીવડયા એનું પરિણામ છે.''



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2K0B7D4
via Latest Gujarati News

Post a Comment

0 Comments