
- સંપૂર્ણ ભારતના તીર્થક્ષેત્રોના દર્શન બાદ હવે આખરી શ્વાસ વિશ્વેશ્વરને સમર્પિત કરવાની વૃદ્ધ દંપત્તિની ઈચ્છા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 2 જૂન 2019, રવિવાર
એકતરફ વૃદ્ધ માતા-પિતાને અનાથઆશ્રમ અથવા અન્ય ઘરમાં જુદાં રાખતાં લોકો આપણને ઠેકઠેકાણે જોવા મળે છે, ત્યારે બીજી તરફ માતા-પિતાની કોઈ ઈચ્છા બાકી રહી ન જાય તે માટે સતત પ્રયત્નશીલ રહેતાં દીકરાંઓની કમી પણ ભારતમાં નથીજ. મહારાષ્ટ્રના અહમદનગરના શેવગાવ તાલુકાના શહર ટાકળી સ્થિત વૈધ બંધુ પણ તેમાંના જ એક છે.
તેમના માતા-પિતાની ઈચ્છા છે કે તેમનું બચેલું જીવન કાશીમાં વિતાવી અંતિમ શ્વાસ ત્યાંજ લઈને દેહ પાડવો. આથી તેમની એ ઈચ્છા પૂરી કરવાં આ ભાઈઓએ વૃદ્ધ માબાપ માટે ગામના લોકો તેમજ સંબંધીઓની વિદાય લઈ કાશીમાં તેમને લઈ જવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. આગામી ૧૬મી જૂને આ વૃદ્ધ દંપતિ ખાસ હેલિકોપ્ટરમાં બેસી કાશી રવાના થશે.
કાશીમાં જવાની ઈચ્છા દર્શાવનાર વૃદ્ધ દંપતિની ઉંમર જોઈએ તો શિવલિંગ વૈધની ઉંમર ૧૦૪ વર્ષ તો તેમના પત્ની સીતા વૈધની ઉંમર ૯૫ વર્ષની છે. તેમને સીતારામ (૬૮), સુભાષ (૬૫), મહાલિંગ (૬૨) અને મંદાકિની (૫૮) નામે ચાર બાળકો છે. સીતારામ એ મોટો પુત્ર હોઈ તે રેલવેમાં તો સુભાષ વૈધ રિઝર્વ બેંકમાં નોકરી કરે છે, જ્યારે નાના ભાઈ મહાલિંગે ગામની ખેતી સંભાળી છે.
આ પરિવારમાં વારકરી સમુદાયનો વારસો ઉતર્યો હોવાથી શિવલિંગ બાપા મહિનામાં એકવાર પૈઠણ તો બેવાર પંઢરપૂર જવાનું ક્યારેય ચૂકતાં નથી. તેમના બાળકોએ તેમને સંપૂર્ણ ભારતના અધિકાંશ તીર્થક્ષેત્રોના દર્શન કરાવી આપ્યાં છે. તેમણે જ્ઞાાનેશ્વરીની પણ એટલી પારાયણ કરી છે કે હવે તે આખી મોઢે થઈ ગઈ છે. જીવનના છેલ્લાં દિવસો કાશી વિશ્વેશ્વરની સાધનામાં વિતાવી ત્યાંજ દેહ પાડવો એવી ઈચ્છા શિવલિંગ બાપાએ પુત્રોને જણાવી હતી.
જન્મભૂમિ મૂકીને બીજા પ્રદેશમાં સગાં-સંબંધીઓને મૂકીને જવાનું અને તે પણ પાછું ન આવવા માટે. આ વાત પર સંબંધીઓને હજીય વિશ્વાસ બેસતો નથી. પરંતુ શિવલિંગ દંપતિ તેમના નિર્ણય પર અઠંગ અને કાયમ છે. આથી તેમના બાળકોએ પણ તેમની ઈચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું છે.
પુત્રોએ કર્યો હેલિકોપ્ટર માટે ૧૪ લાખનો ખર્ચ
વૃદ્ધ માતા-પિતાને કાશી માટે વિદાય આપવા વૈધ બંધુઓએ ભવ્ય વિદાય સમારંભનું આયોજન પોતાના ગામ શહરટાકળીમાં કર્યું છે. ૧૬મી જૂનના રોજ શોભાયાત્રા દ્વારા શિવલિંગ તેમજ તેમના પત્ની સીતાબાઈને વિદાય આપવામાં આવશે. વૈધ દંપતિ શહરટાકળીથી ખાસ હેલિકોપ્ટરમાં મુંબઈ અને બાદમાં મુંબઈથી વિમાન માર્ગે કાશી જશે.
હેલિકોપ્ટર માટે ૧૪ લાખ રુપિયાનો ખર્ચ આવવાનો હોઈ કાશીમાં માતા-પિતાને રહેવા માટે એક રુમ પણ ખરીદી છે. જેથી હવે આ દામ્પત્ય જીવનના આખરી શ્વાસ વિશ્વેશ્વરની નગરીમાં લેવાની ઈચ્છા પૂરી કરી શકશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W6eK1u
via Latest Gujarati News
0 Comments