સોનામાં તેજીનો નવો રેકોર્ડ ભાવ રૂ. 35000 બોલાયા


- ક્રૂડતેલ ઉછળી ૬૫ ડોલર નજીક પહોંચતાં વિકલી ઉછાળામાં ત્રણ વર્ષનો રેકોર્ડ તૂટયો:  બ્રિટીશ પાઉન્ડ તથા યુરોમાં સામસામા રાહ જોવા મળ્યા

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 21 જૂન 2019, શુક્રવાર


મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનામાં રેકોર્ડ તેજી આગળ વધતાં જીએસટી સાથેના ભાવ રૂ.૩૫ હજાર બોલાતા હતા. આવા ભાવ અગાઉ જોવા મળ્યા નથી. એવું બજારના પીઢ અનુભવી ઝવેરીઓએ જણાવ્યું હતું.  વિશ્વ બજારમાં સોનાના ભાવ વધી ઔંશના ૧૪૦૦ ડોલરની સપાટી કુદાવી જતાં પાંચ વર્ષની નવી ઉંચી સપાટી જોવા મળ્યાના સમાચાર હતા.

વિશ્વ બજાર વધતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં  ડોલરના ભાવ આંચકા પચાવી ફરી વધી આવતાં ઘરઆંગણે સોનાની આયાત પડતર વધુ ઉંચી ગઈ છે. તેના પગલે ઝવેરી બજારમાં  તેજીનો  પવન ફૂંકાતો રહ્યો હોવાનું  જણાવ્યું હતું.  મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૩૫૫૯ વાળા રૂ.૩૩૯૬૪ થઈ રૂ.૩૩૮૯૫ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૩૬૯૪ વાળા રૂ.૩૪૧૦૧ થઈ રૂ.૩૪૦૩૧ બંધ રહ્યા હતા.  જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે હજાર રૂપિયા ઉંચા રહ્યા હતા.   આમ જીએસટી સાથેના ભાવ રૂ.૩૫ હજારને આંબી ગયાની ચર્ચા હતી.

દરમિયાન મુંબઈ કરન્સી બજારમાં આજે  ડોલરના ભાવ રૂ.૬૯.૪૩ વાલા રૂ.૬૯.૭૫ ખુલી રૂ.૬૯.૭૬  રહ્યા પછી ભાવ રૂ.૬૯.૫૨ થઈ રૂ.૬૯.૫૬ બંધ રહ્યા હતા. ડોલરના ભાવ  આજે ૧૩ પૈસા વધ્યા હતા.  જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૭ પૈસા ઘટી રૂ.૮૮.૦૧થી ૮૮.૦૨ રહ્યા હતા જ્યારે  યુરોના ભાવ ૧૫ પૈસા વધી રૂ.૭૮.૭૦થી ૭૮.૭૧ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ ઝવેરી બજારમાં આજે  ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૯૫૫ વાળા રૂ.૩૮૦૯૦ થઈ રૂ.૩૭૮૮૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૮૦૦૦ તથા  જીએસટી સાથેના ભાવ આ ભાવથી  આશરે ૯૦૦થી ૯૫૦ ઉંચા  હતા.  વિશ્વ બજારમાં  આજે સોનાના ભાવ વધી ઉંચામાં ૧૪૦૬.૬૦ ડોલર થયા પછી સાંજે  ભાવ ૧૩૯૮થી ૧૩૯૮.૧૦  ડોલર રહ્યા હતા જ્યારે  ચાંદીના ભાવ ઉંચામાં ૧૫.૫૩ ડોલર થઈ સાંજે  ભાવ ૧૫.૩૩થી ૧૫.૩૪ ડોલર રહ્યા હતા.   

અમેરિકા તથા ઈરાન વચ્ચે તંહદિલી વધતાં તથા તેના પગલે  વિશ્વ બજારમાં ક્રૂડતેલના  ભાવ ઉછળતાં   તેની અસરે આજે સોનાના ભાવ પર પણ પોઝીટીવ અસર દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુઓ પણ વધી આવી હતી. પ્લેટીનમના ભાવ આજે સાંજે ઔંશના ૮૦૩.૨૦ ડોલર તતા પેલેડીયમના  ભાવ ૧૫૦૦ ડોલર કુદાવી ૧૫૦૮.૧૦થી ૧૫૦૮.૨૦ ડોલર રહ્યા હતા.

દરમિયાન વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં નવો ઉછાળો આવતાં સાંજે  બ્રેન્ટક્રૂડના ભવા વધી બેરલદીઠ ૬૫ ડોલર નજીક  પહોંચી ગયા હતા.    જ્યારે ન્યુયોર્કના ભાવ વધી સાંજે ૫૭ ડોલર વટાવી ૫૭.૧૦થી ૫૭.૧૫ ડોલર રહ્યા હતા. 

વિશ્વ બજારમાં આ સપ્તાહમાં ક્રૂડતેલના ભાવમાં નોંધાયેલો ઉછાલો પાછલા ૩ વર્ષનો સૌથી મોટો  વિકલી ઉછાળો હોવાનું બજારે   જણાવ્યું હતું. દરમિયાન, વૈશ્વિક તંગદીલી  વધતાં અર્થતંત્રને અસર પડવાની શક્યતા વચ્ચે આજે  કોપરના ભાવ ઉંચે નરમ રહ્યા હતા. ન્યુયોર્ક બજારમાં આજે સાંજે   કોપરનો વાયદો  ૦.૪૫થી ૦.૫૦  ટકા માઈનસમાં  બોલાઈ  રહ્યાના નિર્દેશો હતા. લંડન એક્સ.માં  કોપરનો સ્ટોક ૧૦૦૦ ટન ઘટયો હતો   જ્યારે ત્યાં  ટીનનો સ્ટોક ૨૫ ટન વધ્યો હતો સામે એલ્યુમિનિયમનોે સ્ટોક  ૮૧૭૫ ટન, સીસાનો  ૨૦૦ ટન, જસતનો ૭૫૦ ટન તથા નિકલનો ૪૦૨ ટન ઘટયાના સમાચાર મળ્યા હતા.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IZCdgh
via Latest Gujarati News

Post a Comment

0 Comments