
(પીટીઆઈ) પટના, તા.8 જૂન, 2019, શનિવાર
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તુલના ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે કરીને વિવાદ સર્જ્યો છે. પટનામાં પત્રકારોને સંબોધતી વખતે તેમણે કહ્યું કે, 'મમતા બેનર્જી કિમ જોંગ ઉનના માફક ક્રૂરતાપૂર્વક પોતાના રાજકીય હરિફોને દબાવવા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેમના શાસનના અંતની શરુઆત થઈ ચુકી છે.'
ભાજપ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે મમતા બેનર્જી માટે ઉલટી ગણતરી શરુ થઈ ગઈ છે તેમ કહ્યું હતું. તેમણે મમતા બેનર્જી પોતાના રાજકીય વિરોધીઓ સાથે જે પ્રકારનું વર્તન કરે છે તે કિમ જોંગ ઉનની યાદ અપાવે છે તેમ કહીને નિકટવર્તી હારના ડરથી મમતા બેનર્જી હતાશ થઈ ગયા છે તેમ જણાવેલું.
મમતા બેનર્જીએ પોતે નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન તરીકે સ્વીકારવા તૈયાર ન હોવાનું કહ્યું હતું તેને અનુસંધાને ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહે મમતા બેનર્જી દેશના બંધારણીય માળખાનો તિરસ્કાર કરે છે તેવો આરોપ લગાવ્યો હતો.
સાથે જ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ જ્યાં એકત્ર થાય છે તેવી નીતિ આયોગની બેઠકોમાં પણ મમતા બેનર્જી અનુપસ્થિત રહે છે તે અંગે ફરિયાદ કરી હતી. એક રેલીમાં મમતા બેનર્જીએ મોદીને કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હોય તેવા વડાપ્રધાન ગણાવીને પોતે કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ વડાપ્રધાન સાથે વાત કરશે તેમ કહ્યું હતું અને નીતિ આયોગની બેઠકોને નિરર્થક ગણાવીને પોતે તેમાં હાજર નહીં રહે તેમ કહેલું.
બંગાળમાં હિંસા ભડકાવવાનો આરોપ લગાવીને મમતા બેનર્જીએ ગુરુવારે ભાજપના વિજય સરઘસોને મંજૂરી નહીં મળે તેવી જાહેરાત કરી હતી. તેમણે વિજય સરઘસોને નામે ભાજપે અનેક જિલ્લાઓમાં અવ્યવસ્થા ફેલાવી હોવાનો આરોપ લગાવીને કોઈને પણ વિજય યાત્રાની અનુમતિ નહીં મળે તેમ કહ્યું હતું.
આ મામલે ગિરિરાજ સિંહે કહ્યું કે તેઓ કિમ જોંગ ઉનના માફક જે પણ અવાજ કરશે તેને મારી નાખશે પરંતુ જનતા હવે તેમની ઉલટી ગણતરીનું સરઘસ કાઢવાની તૈયારીમાં જ છે. તેમણે મમતા સરકાર ભારતીય બંધારણ પર વિશ્વાસ નથી રાખતી અને વારંવાર તેનું ઉલ્લંઘન કરે છે તેમ કહીને હવે જનતા તેમનો નિર્ણય લેશે તેવો દાવો કર્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wG75wy
via Latest Gujarati News
0 Comments