મનમોહનને રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનાવવાની કોંગ્રેસની કવાયત


નવી દિલ્હી, તા.27 જૂન, 2019, ગુરૂવાર

પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ લોકસભાની ચૂંટણી નહોતા લડયા, જોકે તેઓ રાજ્યસભામાં જાય તેવી શક્યતાઓ છે. કોંગ્રેસ મનમોહનસિંહને રાજસ્થાનથી રાજ્યસભાના સાંસદ બનાવી શકે છે. 

ભાજપના રાજસ્થાનના પ્રમુખ મદનલાલ સૈનીનું નિધન થતા રાજ્યસભામા સાંસદની જગ્યા ખાલી પડી છે. જેને લઇને મનમોહનસિંહને હવે રાજ્યસભામા મોકલવાની કવાયત કોંગ્રેસમાં ચાલી રહી છે. મદન લાલ સૈનીને રાજ્યસભાના સાંસદ બન્યાને ૬ મહિના જ થયા હતા, તેથી આ બેઠક પર પાંચ વર્ષ સુધી મનમોહનસિંહ સાંસદ તરીકે રહી શકે તેમ છે.  

રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે હાલ ૧૦૦ પોતાના જ ધારાસભ્યો છે, જ્યારે ૧૧ અપક્ષ ધારાસભ્ય છે જે કોંગ્રેસના અસોસિએટ સભ્ય બની ચુક્યા છે. આ ઉપરાંત કોંગ્રેસને અહીં બસપા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીનું પણ સમર્થન છે. જ્યારે ભાજપ પાસે ૭૨ ધારાસભ્યો છે. ૨૦૦ વિધાનસભા બેઠકો ધરાવતા રાજસ્થાનમાં કોંગ્રેસ પાસે રાજ્યસભાની આ બેઠક જીતવાની તક છે.

આ ઉપરાંત ૨૦૨૦માં ભાજપના ત્રણ રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે. જોકે કોંગ્રેસ આટલા લાંબા સમય સુધી રાહ જોવા નથી માગતી.  તેથી વહેલી તકે મનમોહનસિંહ રાજ્યસભામાં સાંસદ પદ સંભાળી લે તેવી શક્યતાઓ છે, મનમોહનસિંહનો કાર્યકાળ ૧૪મી જૂનો પુરો થઇ ગયો, તેઓ આસામથી પાંચ વખત રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XBCqQ3
via Latest Gujarati News

Post a Comment

0 Comments