
પોલીસે હુમલાખોરોને શોધવાનું શરૂ કર્યુ
આ શરમજનક ઘટના હરિયાણાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ દર્શાવે છે : રાહુલ ગાંધી
ફરીદાબાદના સેક્ટર-9માં બે હુમલાખોરોએ વિકાસ પર 12થી 15 ગોળીઓ છોડી
(પીટીઆઇ) ફરીદાબાદ, તા.27 જૂન, 2019, ગુરૂવાર
હરિયાણાના ફરીદાબાદમાં કોંગ્રેસ પ્રવકતા વિકાસ ચૌધરીની ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. સેક્ટર-૯માં હુમલાખોરોએ વિકાસ ચૌધરી પર ૧૨ થી ૧૫ ગોળીઓ છોડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિકાસ ચૌધરી પર બે હુમલાખોરોએ ફાયરિંગ કર્યુ હતું. વિકાસ પોતાની કારમાં જિમ જઇ રહ્યાં હતા ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે ૯.૦૨ વાગ્યે બની હતી. વિકાસ પોતાની ગાડીમાંથી બહાર નીકળ્યા કે તરત જ હુમલાખોરોએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સીસીટીવી ફૂટેજમાં બંને હુમલાખોરો વિકાસ પર ગોળીઓ છોડતા કેદ થઇ ગયા છે. વિકાસની ગરદન અને છાતી પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. બંને હુમલાખોરો સફેદ રંદની એસએક્સ-૪ ગાડીમાં આવ્યા હતાં. પોલીસ કાર અને હુમલાખોરોને શોધી રહી છે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હત્યાની નિંદા કરતા જણાવ્યું છે કે આ ઘટના હરિયાણામાં કાયદા વ્યવસ્થાની કથળેલી સ્થિતિ દર્શાવે છે. વિકાસ ચૌધરીને તાત્કાલિક સર્વોદય હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. પોસ્ટ મોર્ટમ તેમના મૃતદેહને તેમના પરિવારજનોને સુપ્રત કરી દેવામાં આવ્યો હતો.
વિકાસ ચૌધરીની હત્યા પછી હરિયાણા કોંગ્રેસ પ્રમુખ અશોક તંવરે જણાવ્યું હતું કે આ જંગલ રાજ છે. કોઇને પણ કાયદાનોે ડર નથી. ગઇકાલે પણ આ પ્રકારની ઘટના બની હતી. છેડતીનો વિરોધ કરનારી મહિલા પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. વિકાસ ચૌધરીની હત્યાની તપાસ થવી જોઇએ.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ફરીદાબાદમાં કોંગ્રેસ પ્રવક્તા અને નેતા વિકાસ ચૌૈધરીની હત્યા નિંદાને પાત્ર, શરમજનક અને દુ:ખદ ઘટના છે. આ ઘટના હરિયાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દર્શાવે છે. ભગવાન વિકાસ ચૌધરીના પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસ નેતાઓ રણદીપ સૂરજેવાલા, ભુપેન્દરસિંહ હૂડા અને અશોક તંવરે પણ કડક શબ્દોમાં આ ઘટનાની નિંદા કરી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Nkaw7b
via Latest Gujarati News
0 Comments