
લુધિયાણા, તા.27 જૂન, 2019, ગુરૂવાર
લુધિયાણાની જેલમાં કેદીઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ થતાં સ્થિતિ ભારે તંગ બની હતી. કેદીઓએ જેલ તોડવાની કોશિશ કરી હતી, જેમાં એક કેદીનું મોત થયું હતું.
એસીપી, અન્ય પોલીસ કર્મચારીઓ અને કેદીઓ સહિત ૩૫ ઘાયલ થયા હતા. લુધિયાણાની જેલમાં ૨૦૦૦ જેટલા કેદીઓ બંધ છે. એમાં ગંભીર ગુનેગારોનો પણ સમાવેશ થાય છે. બપોરે કેદીઓને બેરેકની બહાર રૂટિન કાર્યવાહી પ્રમાણે કાઢવામાં આવી રહ્યા હતા એ વખતે કોઈક બાબતે સંઘર્ષ થયો હતો અને પછી જેલમાં કેદીઓના બે ગુ્રપ વચ્ચે અથડામણ થઈ હતી. એને કાબુમાં લેવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી.એ પછી કેદીઓ અને પોલીસ વચ્ચે જ સંઘર્ષ થઈ ગયો હતો. પોલીસ અને કેદીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને તે પછી કેટલાક કેદીઓએ જેલ તોડવાની કોશિશ કરી હતી. ચાર-પાંચ કેદીઓ જેલની બહાર પણ નીકળી ગયા હતા, પરંતુ ગણતરીની મિનિટોમાં તમામને દબોચી લેવામાં આવ્યા હતા. કેદીઓએ જેલરની ગાડી સળગાવી દીધી હતી. બીજી તરફ પોલીસે મામલો કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને હવામાં ફાઈરિંગ પણ કર્યું હતું. જેલ તોડવાના કેદીઓના પ્રયાસ દરમિયાન એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તુરંત પટિયાલાની હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં એ કેદીનું મોત થયું હતું. ઘણાં કેદીઓ ઘાયલ થયા હતા. એસીપી સંદીપ વઢેરા પણ ઘાયલ થયા હતા.
અને તે સિવાયના પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને તુરંત જેલમાં પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
જેલની સુરક્ષા માટે ગૃહ મંત્રાલયે મહત્વપૂર્ણ નિર્ણય કરતા કહ્યું હતું કે જેલની સુરક્ષા માટે તુરંત સીઆરપીએફની ત્રણ ટૂકડીઓને મોકલાશે. પંજાબ, અમૃતસર અને લુધિયાણા એમ ત્રણ જેલની સુરક્ષા માટે સીઆરપીએફના જવાનો તૈનાત થશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LoaNn2
via Latest Gujarati News
0 Comments