
(પીટીઆઇ) લખનૌ, તા.12 મે, 2019, રવિવાર
રાજસ્થાનના અલવર ખાતે ગત મહિને બનેલી ગેંગ રેપની ઘટનામાં માયાવતી મગરનાં આંસુ સારી રહ્યાં હોવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા આક્ષેપના વળતા જવાબરૃપે બસપાના વડાએ મોદી પર ગંદુ રાજકારણ ખેલવાનો આક્ષેપ કરી, ભૂતકાળમાં દલિતો પર થયેલા અત્યાચારની ઘટનાઓ બદલ એમના (મોદીના) રાજીનામાની માગણી કરી છે.
વડાપ્રધાને આજે કુશીનગર અને દેવરિયા ખાતેની ચૂંટણી-રેલીમાં કરેલી ઉપરોક્ત ટિપ્પણીના કલાકોમાં માયાવતીએ અત્રે જારી કરેલી એક પ્રેસનોટમાં જણાવ્યું કે ગેંગરેપની ઘટના સંદર્ભે મોદી ગંદુ રાજકારણ ખેલી રહ્યા છે.
નોંધનીય છે કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકારને માયાવતીએ ટેકો આપ્યો છે.
વડાપ્રધાન મોદીએ આ ટેકો પાછો ખેંચી લેવાના માયાવતીને કરેલા પડકારના જવાબમાં બસપાના વડાએ કહ્યું કે રેપના ઉપરોક્ત કેસમાં યોગ્યપણે કડક પગલાં નહિ લેવાય તો બસપા ચોક્કસપણે યોગ્ય રાજકીય નિર્ણય લેશે.
માયાવતીએ પ્રેસનોટમાં ઉમેર્યું કે ગુજરાતના ઊનામાં દલિતોને સોટી વડે ફટકારાયા તેમજ આંધ્રના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાએ આપઘાત કરવો પડયો વગેરે જેવા દલિત-અત્યાચારના બનાવોની નૈતિક જવાબદારી સ્વીકારી વડાપ્રધાન મોદી રાજીનામું આપે.
ગઇ તા.૨૬ એપ્રિલે રાજસ્થાનના અલવર ખાતે મોટર સાયકલ પર જઇ રહેલા દંપતીનું વાહન રસ્તામાં એક બદમાશ ટોળકીએ રોકી લઇ દંપતીને સડકથી દૂર એકાંત સ્થળે લઇ જવાયું હતું, જ્યાં પતિને ઢોર માર મારીને એની નજર સામે પત્ની પર સામૂહિક બળાત્કાર કરાયો હતો. એ પછી એમને મોતની ધમકી આપીને જવા દેવાયા હતા.
બળાત્કાર પીડિતા પત્નીના પતિએ કહ્યું કે એણે ઘટના પછી તા.૩૦ એપ્રિલે રાજસ્થાન પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ આરોપીઓ સામે છેક તા.૭ મેએ પ્રથમદર્શી અહેવાલ (એફઆઇઆર) નોંધાયો હતો. પતિએ આક્ષેપ કર્યો કે પોલીસે, પોતે ચૂંટણી કાર્યમાં વ્યસ્ત હોવાનું જણાવીને પગલાં લીધા નહિં.
અલવરની ઘટનાને લઇને માયાવતી ગંભીર હોય તો કોંગ્રેસને ટેકો ન આપે : મોદી
રાજસ્થાનના અલવરમાં એક દલિત મહિલા પર ગેંગરેપની ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. આ ઘટનાને ટાંકીને મોદીએ માયાવતી પર પ્રહારો કર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે મગરમચ્છના આંસુ સારવાને બદલે કોંગ્રેસની સાથે રાજસ્થાનમાં છેડો ફાડો અને સમગ્ર મામલે સવાલો કરો.
બીજી તરફ માયાવતીએ પણ કહ્યું હતું કે મોદીએ આવી દુ:ખદ રેપની ઘટનાને પોતાના રાજકીય રોટલા શેકવાનું માધ્યમ ન બનાવવું જોઇએ. ઉત્તર પ્રદેશમાં એક રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે માયાવતીજી તમે ખરેખર આ મામલે ગંભીર હોવ તો મગરમચ્છના આંસુ સારવાનું બંધ કરો અને રાજસ્થાનની સરકારમાં જે તમે ટેકો આપ્યો છે તેને પાછો ખેંચી લો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WFE3se
via Latest Gujarati News
0 Comments