ભારત દ્વારા રશિયન એસ-400ની ખરીદીથી અમેરિકા ચિંતિંત : THAAD સિસ્ટમ આપવાનો પ્રસ્તાવ


એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાંથી એક સાથે આઠ મિસાઇલ છૂટી શકે જ્યારે 'થાડ'માં છ મિસાઇલ છોડવાની ક્ષમતા

વોશિંગ્ટન, તા.12 મે, 2019, રવિવાર

ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાની સંધિ લગભન નક્કી કરી લીધી હોવાની માહિતી મળતા અમેરિકાએ તેના વિકલ્પરૃપે તેમની થાડ(ટર્મિનલ હાઇ અલ્ટિટયુડ એરિયા ડિફેન્સ) અને પી.એ.સી.-૩(પેટ્રિઓટ એડવાન્સ સિસ્ટમ) ભારતને આપવાની તૈયારી બતાવી છે. 

રશિયા સાથેની વર્ષોની વાટાઘાટો પછી ભારતે એસ-૪૦૦ની ખરીદીની સંધિ લગભગ નક્કી કરી હોવાની જાહેરાત કરતા અમેરિકાએ ચિંતિંત થઇને ભારત સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો હોવાની ચર્ચા છે. અમેરિકા ટર્કી અને સાઉદી અરેબિયાને આ સિસ્ટમ વેચી ચૂક્યું છે અને ભારતે એસ-૪૦૦થી વધારે કિંમત ચૂકવવી પડે તેવી સંભાવના છે.

થાડ સિસ્ટમ માટે ભારતે કેટલી કિંમત ચૂકવવી પડે તે અંગે કોઇ સ્પષ્ટ આંકડો હાલ જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ સી.એન.બી.સી.ના એક અહેવાલ પ્રમાણે થાડ સિસ્ટમના છ લોન્ચર ધરાવતા એક યુનિટ માટે ભારતે લગભગ ત્રણ બિલિયન ડૉલરની ચૂકવણી કરવી  પડે તેમ છે. તો બીજી તરફ રશિયાની એસ-૪૦૦ સિસ્ટમના પાંચ યુનિટ માટે ભારત ૫.૪ બિલિટન ડૉલર ચૂકવી રહ્યું છે તેવી ચર્ચા છે. આ ઉપરાંત એસ-૪૦૦ના એક યુનિટમાં આઠ લોન્ચર હોય છે.

અમેરિકન પ્રસાશને થોડા અઠવાડિયા અગાઉ ભારત સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો છે. અમેરિકામાંવર્ષ ૨૦૧૬ની રાષ્ટ્રપતિન ચૂંટણી દરમિયાન રશિયાએ કરેલા હસ્તક્ષેપોના કારણે તેના પર કેટલાંક પ્રતિબંધો મૂકતો કાયદો કાટ્સા (કાઉન્ટરિંગ અમેરિકન એડ્વર્સરિઝ થુ્ર સેન્કશન્સ એક્ટ) લગાવ્યો છે. ભારત રશિયા પાસેથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે તો ભારતે પણ આ કાયદાનો સામનો કરવો પડશે કે નહીં તે અંગે ટ્રમ્પ સરકારે કોઇ ખુલાસો કર્યો નથી.

ગત સપ્ટેમ્બરમાં રક્ષા પ્રધાન નિર્મલા સીતારામન અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે અમેરિકાના પ્રતિનિધિઓ સાથેની મુલાકાતમાં અમેરિકાએ એવી તૈયારી દર્શાવી હતી કે ભારત રશિયા એસ-૪૦૦ની ખરીદી કરશે તો અમેરિકા આ અંગે કોઇ પગલાં નહીં લે. જો કે થોડા દિવસો પહેલાં અમેરિકાએ ટર્કી અને સાઉદી અરેબિયાને એસ-૪૦૦ની ખરીદી કરતા રોક્યા છે અને બદલામાં થાડ અને પી.એ.સી.-૩ આપવાની સંધિ કરી છે

અમેરિકાના આ પ્રસ્તાવની ચોક્કસ વિગતો હજુ સુધી બહાર આવી શકી નથી. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાને અમેરિકાના પ્રસ્તાવની વાતને રદિયો અથવા સમર્થન આપવા પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે નીતિવિષયક બાબત હોવાના કારણે તેઓ આ અંગે કોઇ ટિપ્પણી કે નિવેદન આપવા માગતા નથી. જો કે તેમણે રદિયો ન આપતા તે વાત સ્પષ્ટ થઇ છે કે અમેરિકાએ ભારતને ડિફેન્સ સિસ્ટમની ખરીદી માટે પ્રસ્તાવ મૂક્યો છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WEk8tN
via Latest Gujarati News

Post a Comment

0 Comments