ચૂંટણીમાં અપેક્ષિત પરિણામ ન મળતા માયાવતીએ પાર્ટી કાર્યકર્તાઓની બેઠક બોલાવી

નવી દિલ્હી, તા. 3 જૂન 2019, સોમવાર

2019 લોકસભા ચૂંટણીમાં BSPને સંતોષકારક બેઠકો ન મળતા અને અમુક પ્રદેશોમાં ભૂંડી હારને જોતા માયાવતીએ પાર્ટી કાર્યકર્તાઓનુ અખિલ ભારતીય સ્તરે મીટિંગનું આયોજન કર્યું છે.

મીટિંગ પહેલા ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીથી ચૂંટાયેલા બસપા સાંસદ રામ શિરોમણી વર્માએ EVMમા ગોટાળાનો આરોપ લગાવ્યો. એમણે કહ્યું કે, અમે લોકો પહેલાથી કહેતા આવ્યા છીએ કે બેલેટ પેપર આધારિત ચૂંટણી થવી જોઈએ પરંતુ અમારી વાત સરકાર સાંભળતી નથી અને ચૂંટણી પંચ પણ નથી સાંભળતું.

BSP પ્રમુખ માયાવતીએ સોમવારે પાર્ટીના નવા ચૂંટાયેલા સાંસદો, ઝોન ઈન્ચાર્જ અને જિલ્લા અધ્યક્ષોને બેઠકમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. પાર્ટીના બીજા વરિષ્ઠ નેતા પણ બેઠકમાં હાજર રહેશે. અગાઉ માયાવતીએ ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાત અને ઓડિશાના લોકસભા ચૂંટણી પ્રભારીને તેમના પદ પરથી હટાવી દીધા છે. સાથે જ એમણે દિલ્હી અને મધ્ય પ્રદેશ રાજ્યોના અધ્યક્ષને પણ તેમના પદ પરથી હટાવી દીધા છે. સોમવારે BSP સુપ્રીમો યુપીના ઝોન પ્રભારી અને જિલ્લા અધ્યક્ષની સાથે લોકસભા ઉમેદવારો અને નવા ચૂંટાયેલા સાંસદોની સાથે બેઠક કરશે.

BSPએ આ વખતે 2014 લોકસભા ચૂંટણાની સરખામણીમા સારૂં પ્રદર્શન કરીને 10 બેઠક પર જીત મેળવી છે પરંતુ તેમની આશા મુજબ ગઠબંધનને ઓછી બેઠકો મળી છે. સુત્રોના જણાવ્યા અનુસાર સોમવારે થનારી બેઠકમાં સંગઠનના ફેરબદલને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. લોકસભા ચૂંટણીમાં BSPને અનુમાન કરતા ઓછી બેઠકો મળી છે માટે માયાવતી ઘણી નારાજ છે.

ઉલ્લેખનીય છે કે, 2012માં ઉત્તર પ્રદેશના વિધાનસભા ચૂંટણીથી BSPનો ગ્રાફ ઘણો નીચે પડતો જોવા મળે છે. પરિસ્થિતિ એવી છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં BSP ખાતું પણ ખોલી શકી ન હતી ત્યારબાદ 2017ના વિધાનસભા ચૂંટણીમાં BSP માત્ર 19 બેઠક જીતી શકી હતી. આ વખતે 2019 લોકસભા ચૂંટણીમા સપા સાથે ગઠબંધન કર્યું છતાં BSP માત્ર 10 બેઠક જીતી શકી. 

BSP હવે, લોકસભા ચૂંટણીમા પાર્ટી વિરોધી કામ કરવાવાળા લોકો વિરૂદ્ધ એક્શન લેવાના મુડમા આવી છે. BSP સુપ્રીમો માયાવતીએ એવા લોકો વિરૂદ્ધ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Z6lo9B
via Latest Gujarati News

Post a Comment

0 Comments