
જમશેદપુર, તા. 14 જૂન, 2019, શુક્રવાર
ઝારખંડના સરાયકેલાની માર્કેટમાં છ પોલીસ જવાનોને નિશાન બનાવતો નક્સલી હુમલો થયો હતો. નક્સલવાદીઓએ પોલીસ જવાનો ઉપર અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી, જેમાં પાંચ પોલીસ જવાનો શહીદ થયા હતા અને એક જવાન લાપતા બન્યો હતો.
ઝારખંડના સરાયકેલામાં એક વીકલી માર્કેટમાં પોલીસ જવાનો ખરીદી માટે આવ્યા હતા. એ દરમિયાન મોટર સાયકલમાં નક્સલવાદીઓ આવ્યા અને પોલીસ જવાનોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. નક્સલવાદીઓના આ ફાયરિંગમાં પાંચ પોલીસ જવાનો શહીદ થયા હતા.
નક્સલવાદીઓ આ પાંચેયના હથિયારો પણ લૂંટી ગયા હતા. પોલીસે જણાવ્યું હતું એ પ્રમાણે હજુ ય એક પોલીસ જવાન લાપતા છે. તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ જવાનો ઉપર હુમલો કરનારા નક્સલવાદીઓને પકડી પાડવા માટે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સ્થાનિક લોકોએ દાવો કર્યો હતો કે કુલ છ મોટરસાયકલમાં નક્સલવાદીઓ આવ્યા હતા. પોલીસ જવાનો બાજુના ગામમાં કંઈ કામથી આવ્યા હતા અને વચ્ચે આ વીકલી માર્કેટમાં ખરીદી કરવા રોકાયા હતા અને પાછા જવાની તૈયારીમાં હતા ત્યારે આ હુમલો થયો હતો. પોલીસે શહીદ થયેલા તમામ પોલીસ જવાનોની ઓળખની પ્રક્રિયા હાથ ધરી હતી. ઝારખંડમાં ૨૦૧૯માં નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે ૨૫ વખત સંઘર્ષ થયો છે. આ સંઘર્ષમાં ૧૮ નક્સલીઓ ઠાર થયા છે અને લગભગ ૬૫ કરતા વધુને પકડી લેવામાં આવ્યાં છે.
છત્તીસગઢમાં બે નક્સલીઓ ઠાર મરાયા
(પીટીઆઈ) રાયપુર, તા. તા. 14 જૂન, 2019, શુક્રવાર
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર માર્યા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ ઘટના અંગે વધારે માહિતી આપતા જણાવ્યું કે, રાયપુરથી ૨૦૦ કિમી દૂર તાડોકી થાણા ક્ષેત્ર વિસ્તારમાં આવેલા માલેપારા અને મુરનાર ગામ વચ્ચેના જંગલોમાં રાત્રિના સમયે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની ટીમ નક્સલીઓ વિરોધી અભિયાનમાં નીકળી હતી તે સમયે આ ઘટના બની હતી. નક્સલીઓ છુપાયા હોવાની બાતમીને પગલે સુરક્ષા દળોની ટીમ જંગલોમાં સર્ચ ઓપરેશન માટે નીકળી તે સમયે હથિયારધારી નક્સલીઓએ તેમના પર ગોળીબાર શરુ કરી દીધો હતો. તેના જવાબમાં સુરક્ષા દળોએ પણ વળતો ગોળીબાર કર્યો હતો અને સામા પક્ષેથી ગોળીબારનો અવાજ બંધ થતા તપાસ દરમિયાન બે નક્સલીઓના શબ હાથ લાગ્યા હતા. આ ઉપરાંત મૃતદેહ પાસે રહેલી બે એસએલઆર રાઈફલ, .૩૦૩ રાઈફલ અને .૩૧૫ રાઈફલ પણ જપ્ત કરી લેવાઈ હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2IHzN5H
via Latest Gujarati News
0 Comments