સરકારે આજે તમામ પક્ષના વડાઓની બેઠક બોલાવી, મમતાએ આમંત્રણ ઠુકરાવ્યું


સરકાર એક દેશ, એક ચૂંટણી મુદ્દે ગંભીર હોય તો શ્વેતપત્ર બહાર પાડી દરેક પક્ષોનો અભિપ્રાય લે : મમતા 

નવી દિલ્હી, તા. 18 જૂન, 2019, મંગળવાર

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ઓલ પાર્ટી મીટિંગમાં જોડાવાની ના પાડી દીધી છે. સરકારે જે પણ પક્ષના ઓછામાં ઓછા એક સાંસદ ચૂંટાયા હોય તેમના વડાને આ દરેક પક્ષોની બેઠકમાં બોલાવ્યા છે.

આ બેઠક આગામી ૧૯મી તારીખે મળવા જઇ રહી છે, જેમાં જોડાવવા માટે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને પણ આમંત્રણ આપવામા આવ્યું હતું જોકે મમતાએ આવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. 

હાલ પશ્ચિમ બંગાળમાં પણ ટીએમસી અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. જેને પગલે પણ મમતાએ આ બેઠકમાં જવાનું ટાળ્યું છે. મોદી સરકારે આ બેઠકમાં એક દેશ એક ચૂંટણી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વિપક્ષને બોલાવ્યો છે. 

૨૦મીએ બધા જ સાંસદો માટે પણ સરકારે ડિનરનું આયોજન કર્યું છે, જેમાં પણ ટીએમસી ન જોડાય તેવી શક્યતાઓ છે. હાલ લોકસભામાં તૃણમુલ કોંગ્રેસ અને વાયએસઆર કોંગ્રેસ બન્નેના ૨૨ સાંસદો છે, જે સંખ્યાની દ્રષ્ટીએ પણ સંસદમાં ચોથો પક્ષ છે.

ડીએમકે પાસે ૨૩, કોંગ્રેસ પાસે ૫૨ સાંસદો છે જે બન્ને બીજા અને ત્રીજા ક્રમે છે. જ્યારે પહેલા ક્રમે ભાજપ છે. જ્યારે અન્ય નાના મોટા પક્ષોના પણ અનેક સાંસદો છે. મમતાએ આ બેઠકમાં ન જવા અંગેના પોતાના નિર્ણયની જાણકારી સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીને પત્ર લખીને આપી છે. 

સાથે મમતાએ કહ્યું છે કે સરકાર જો ખરેખર એક દેશ એક ચૂંટણી મુદ્દે ગંભીર હોય તો વ્હાઇટ પેપર લઇને આવે અને દરેક પક્ષોનો અભિપ્રાય લે જે બાદ અમે પણ અમારો અભિપ્રાય આપીશું. ટીએમસીના કેટલાક નેતાઓ હાલમાં ભાજપમાં જોડાયા છે. જેને ટાંકીને મમતાએ ટોણો માર્યો હતો.

મમતાએ જણાવ્યું હતું કે હાલ જે નેતાઓ ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા છે તેઓ ભ્રષ્ટાચારી છે. અમારા માટે આ પ્રકારના ભ્રષ્ટાચારીઓ કચરા સમાન છે, અને તેને પોતાના પક્ષમાં સામેલ કરીને ભાજપ અમારો કચરો જ લઇ જઇ રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XV9GPf
via Latest Gujarati News

Post a Comment

0 Comments