
બેંગ્લુરુ, તા. 28 જુલાઇ, 2019, રવિવાર
વિધાનસભા અધ્યક્ષ કે.આર. રમેશ કુમારે કોંગ્રેસ અને જેડીએસના ૧૭ બળવાખોર ધારાસભ્યોને વર્તમાન વિધાનસભાની મુદત પુરી થાય ત્યાં સુધી ગેરલાયક ઠેરવ્યા છે. અધ્યક્ષના આ નિર્ણયને પગલે બળવાખોર ૧૭ ધારાસભ્યો હવે વર્તમાન મુદત સુધી પેટા ચૂંટણી લડી શકશે નહીં. વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણયથી બળવાખોર ધારાસભ્યો અને ભાજપને આઘાત લાગ્યો છે.
બળવાખોરો આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકે છે. જોકે, અધ્યક્ષના આ નિર્ણયથી ભાજપને આડકતરો લાભ થયો છે. ભાજપ માટે હવે આ ધારાસભ્યોને તેમની કેબિનેટમાં સમાવવાના અને મંત્રીપદ આપવાના કથિત વચનનું પાલન કરવામાંથી બચી જશે. અગાઉ કુમારસ્વામીની સરકારના પતનના બદલામાં ભાજપે બળવાખોર ધારાસભ્યોને મંત્રીપદનું વચન આપ્યું હોવાની અટકળો થઈ રહી હતી.
સુપ્રીમ કોર્ટ વિધાનસભા અધ્યક્ષના નિર્ણયને રદ ન કરે તો રાજ્યમાં બળવાખોર ધારાસભ્યોની ૧૭ બેઠકો પર પેટા ચૂંટણીના પરીણામ આવે ત્યાં સુધી ભાજપ વિધાનસભામાં બહુમતી સાથે સત્તાનો આનંદ માણી શકશે. જેડીએસ અને કોંગ્રેસ હાલમાં અધ્યક્ષ સાથે ૧૦૦ ધારાસભ્યો ધરાવે છે. ભાજપ ૧૭ બેઠકોની પેટા ચૂંટણીમાં ૮ બેઠકો જીતવામાં સફળ થાય તો વિધાનસભામાં તે પોતાના બળે બહુમતીના ૧૧૩ના આંક સુધી પહોંચી શકશે તો રાજ્યમાં સ્થિર સરકારની સંભાવના રહેશે.
ભાજપે અધ્યક્ષના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યા અને તેને બિનલોકતાંત્રિક પગલું ગણાવ્યા છતાં કોંગ્રેસે અધ્યક્ષના પગલાંને આવકાર્યું છે. કોંગ્રેસે કહ્યું કે લાલચી બળવાખોર ધારાસભ્યોને તેમના ગેરબંધારણીય કૃત્ય બદલ સજા મળવી જ જોઈએ. કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે કર્ણાટકની વર્તમાન ઘટના પક્ષાંતર વિરોધી કાયદામાં રહેલા છીંડા દર્શાવે છે અને આ બાબતનો ઉકેલ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે લાવવો જોઈએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/312p7X2
via Latest Gujarati News
0 Comments