અમેરિકા 38 ડિગ્રી ગરમીમાં શેકાયું, મેરીલેન્ડમાં હીટસ્ટ્રોકથી ત્રણનાં મોત


વોશિંગ્ટન, તા. 21 જુલાઇ, 2019, રવિવાર

અમેરિકનો સતત બીજા દિવસે રવિવારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના મોટાભાગના શહેરોમાં દિવસે તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ (100 ડિગ્રી ફેરનહીટ) સુધી પહોંચી ગયું હતું.

મધ્યપૂર્વના મેદાની વિસ્તારોથી લઈને એટલાન્ટિક કાંઠા સુધીના વિસ્તારોમાં હીટવેવની અસર છે. પૂર્વીય કાંઠે ન્યૂયોર્ક, વોશિંગ્ટન અને બોસ્ટન અને મધ્ય પશ્ચિમ ક્ષેત્રમાં અંદાજે 20 કરોડથી વધુ લોકો ગરમીની ઝપેટમાં આવશે. હીટવેવે મેરીલેન્ડમાં સપ્તાહ દરમિયાન ત્રણ લોકોનો ભોગ લીધો હતો.

નેશનલ વેધર સર્વિસી (એનડબલ્યુએસ) જણાવ્યું હતું કે એટલાન્ટિક કાંઠે ઉષ્ણકટીબંધીય હવાથી હાઈ પ્રેશર સિસ્ટમ સર્જાતા શનિવારથી શરૂ થયેલો ગરમીનો પ્રકોપ રવિવાર સુધી ચાલશે.

દેશના બે તૃતિયાંશ પૂર્વીય ભાગમાં ગરમીની ચેતવણી અને એડવાઈઝરી જાહેર કરાયા છે. એનડબલ્યુએસે વોશિંગ્ટન અને બાલ્ટિમોર વિસ્તારના લોકોને ખાસ ચેતવણી આપી હતી, જ્યાં રવિવાર સુધી તાપમાન 95થી 100 ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચી જવાની આગાહી કરાઈ છે. ઊંચા તાપમાન અને ભેજના કારણે તકેદારી રાખવામાં ન આવે તો હીટ સ્ટ્રેસ અથવા હીટ સ્ટ્રોકની સ્થિતિ સર્જાઈ શકે છે.

લોકોને તકેદારી રાખવા તેમજ શક્ય હોય ત્યાં સુધી બાળકો અને પ્રાણીઓને કારમાં ન છોડી જવા ચેતવણી અપાઈ છે. મેરીલેન્ડમાં સપ્તાહ દરમિયાન હીટવેવના કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

અરકાન્સાસમાં 31 વર્ષીય ભૂતપૂર્વ એનએફએલ ખેલાડી માઈચ પેટ્રસનું તેની દુકાન બહાર કામ કરતી વખતે હીટસ્ટ્રોકના કારણે મોત નીપજ્યુું હતું. પૂર્વીય કેનેડામાં પણ ભીષણ ગરમીની ચેતવણી અપાઈ છે. ન્યૂયોર્ક સિટીએ રહેવાસીઓને ગરમીથી બચાવવા 500 જેટલા કૂલિંગ સેન્ટર ખોલ્યા છે. મેયર બિલ ડી બ્લાસિયોએ કહ્યું કે, આ શનિવાર અને રવિવારે સ્થિતિ ખૂબ જ ભયાનક થવાની છે.

લોકો પોતાની કાળજી રાખે. જરૂર ન હોય તો ગરમીમાં બહાર નીકળવાનું ટાળે. ડેટ્રોઈટમાં શનિવારે તાપમાન 105 ડિગ્રી ફેરનહીટ નોંધાયું હતું. આવા સમયે તાજેતરમાં વાવાઝોડાના કારણે ઝાડ પડી જવાથી પાવર લાઈન્સ તૂટી પડતાં 2,00,000થી વધુ લોકો વીજળી વિના ગરમીમાં શેકાતા રહ્યા હતા.

આવી ભીષણ ગરમી જુલાઈ 1995માં ત્રણ દિવસ માટે જોવા મળી હતી ત્યારે હીટવેવને કારણે 700થી વધુ લોકોના મોત નીપજ્યાં હતાં. તે સમયે શિકાગોમાં તાપમાન 36.1 ડિગ્રી સેલ્સિયસ હતું. મૃતકોમાં મોટાભાગે ગરીબ, વૃદ્ધો અને એકલા રહેનારાઓનો સમાવેશ થતો હતો. ટ્રોપિકલ ક્ષેત્રમાં પણ ભીષણ ગરમી નોંધાઈ.

હવાઈ ટાપુ જેવા ટ્રોપિકલ ક્ષેત્રોમાં પણ લોકો ગરમીથી ત્રસ્ત રહ્યા. અમેરિકાના અલાસ્કામાં વર્ષ 1925 પછી બીજી વખત જૂન મહિનો સૌથી ગરમ રહ્યો હતો. આવી જ સ્થિતિ મેક્સિકોમાં પણ જોવા મળી છે. બોસ્ટનમાં પણ શનિવારે અને રવિવારે ભિષણ ગરમીને પગલે પબ્લિક પૂલ્સની એન્ટ્રી ફી રદ કરાઈ હતી, જેથી મોટી સંખ્યામાં લોકોએ ગરમીથી રાહત મેળવવા પબ્લિક પૂલમાં સમય ગાળ્યો હતો.

જોકે, અમેરીકનવાસીઓને ભીષણ ગરમ વીકએન્ડ બાદ સોમવારથી ગરમીથી રાહત મળવાની સંભાવના છે. મધ્ય અમેરિકા અને મધ્ય પશ્ચિમના અનેક ભાગોમાં ઠંડીના મોજાથી તાપમાન નીચું આવી શકે છે. પૂર્વીય કાંઠામાં સોમવારથી ઠંડી હવાની અસર જોવા મળશે.

ગરમીના કારણે અનેક જગ્યાએ કાર્યક્રમો બંધ રખાયા

ન્યૂયોર્કમાં રવિવારે યોજાનારી ન્યૂયોર્ક સિટી ટ્રાયથ્લોન 2001માં શરૂ કરાયા બાદ સૌપ્રથમ વખત રદ કરાઈ છે. દરમિયાન સેન્ટ્રલ પાર્કમાં બે દિવસનો ઓઝેડવાય ફેસ્ટ - ફૂડ, કોમેડી અને મ્યુઝિક ફેસ્ટિવલ પણ રદ કરાયો હતો. વોશિંગ્ટનમાં નેશનલ ગેલેરી ઓફ આર્ટ સ્કલ્પચર ગાર્ડનમાં લોકપ્રિય સાપ્તાહિક આઉટડોર સમર જાઝ કોન્સર્ટ પણ રદ કરાઈ હતી.

જૂનમાં વિક્રમી ગરમી પડી

ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂન મહિનામાં ગરમીએ અનેક રેકોર્ડ તોડયા. જૂન સમગ્ર દુનિયામાં ગરમ મહિનો રહ્યો. આ સતત બીજો મહિનો હતો જ્યારે આર્કટિક પર વિક્રમી પ્રમાણમાં બરફ પીગળ્યો. આ મહિનામાં 0.95 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો નોંધાયો. આ કારણે જૂન 140 વર્ષમાં સૌથી ગરમ મહિનો બની ગયો. જૂન મહિનાની સરેરાશ વૈશ્વિક તાપમાન 15.3 ડિગ્રી સેન્ટીગ્રેડ રહી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z4H0Ul
via Latest Gujarati News

Post a Comment

0 Comments