આજે સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયાને પોઈન્ટ ટેબલમાં પ્રભુત્વ જાળવવાની આશા


- સાંજે ૬.૦૦ વાગ્યાથી મેચ શરૂ થશે  સાઉથ આફ્રિકા તાહીર-ડયુમિની વિજયની ફેરવેલ ગિફ્ટ આપવા તૈયાર

માંચેસ્ટર, તા. 5 જુલાઈ 2019, શુક્રવાર

વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકેલું ઓસ્ટ્રેલિયા આવતીકાલની સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપની આખરી લીગ મેચમાં ટકરાશે, ત્યારે તેની નજર પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર પ્રભુત્વ જાળવવા પર રહેશે. સાઉથ આફ્રિકા વર્લ્ડ કપની રેસમાંથી બહાર ફેંકાઈ ચૂક્યું છે અને હવે તેઓ વર્લ્ડ કપમાંથી વિજયી ફેરવેલની તૈયારી કરી રહ્યા છે. પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવનારી ટીમને સેમિ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે રમવાનું આવશે, જે સતત ત્રણ મેચ હારીને હતાશ છે. હવે જો ઓસ્ટ્રેલિયાએ સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાવું હોય તો તેમણે આવતીકાલે સાઉથ આફ્રિકાને હરાવવું જ પડે તેમ છે.

આવતીકાલના મુકાબલામાં ઓસ્ટ્રેલિયાના બે ધુરંધર ખેલાડીઓ - વોર્નર અને સ્મિથ પર પણ નજર રહેશે. વોર્નર અને સ્મિથ બરોબર ૧૬ મહિના પહેલા સાઉથ આફ્રિકા સામેની કેપ ટાઉન ટેસ્ટમાં જ બોલ ટેમ્પરિંગ કાંડમાં સપડાયા હતા. તે સમયે સ્મિથ કેપ્ટન અને વોર્નર વાઈસ કેપ્ટન હતો અને બોલ ટેમ્પરિંગ કાંડ બાદ તેમના પર એક વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો. આ વિવાદ પછી વોર્નર અને સ્મિથ પહેલીવખત સાઉથ આફ્રિકાનો સામનો કરશે. માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં આવતીકાલે ભારતીય સમય પ્રમાણે સાંજે ૬.૦૦ વાગ્યાથી આ મુકાબલો શરૂ થશે.

ઓસ્ટ્રેલિયા આવતીકાલની સાઉથ આફ્રિકા સામેની મેચમાં સ્ટાર્ક અને કમિન્સ જેવા ઈન ફોર્મ ફાસ્ટ બોલરોને આરામ આપી શકે છે. જોકે ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરે કહ્યું કે, બંને ફાસ્ટ બોલરો વર્લ્ડ કપની એક પણ મેચ ગુમાવવા ઈચ્છતા નથી અને મેદાન પર ઉતરવા માટે થનગની રહ્યા છે. અમે ટીમને વિજયનો સિલસિલો જાળવી રાખવા માટે પડકાર ફેંક્યો છે અને ટીમ તેને ઝીલવા માટે તૈયાર છે. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ૯માંથી ૮ મેચમાં વિજય મેળવી ચૂકી છે, તેમને એકમાત્ર ભારત સામે હારનો સામનો કરવો પડયો હતો. 

વોર્નર અને ફિન્ચની સાથે સ્મિથ, ખ્વાજા, મેક્સવેલ તેમજ કૅરી જેવા બેટ્સમેનો પર ઓસ્ટ્રેલિયાનો મદાર રહેશે. ટોપ ઓર્ડરના શાનદાર દેખાવને સહારે સફળતા મેળવનારૂ ઓસ્ટ્રેલિયાએ સેમિ ફાઈનલ અગાઉ મીડલ ઓર્ડરને તૈયાર કરવો પડશે. બીજી તરફ ગત વર્લ્ડ કપની સેમિ ફાઈનલીસ્ટ સાઉથ આફ્રિકન ટીમ ચાલુ વર્ષે સદંતર ફ્લોપ સાબિત થઈ હતી. કંગાળ બેટીંગ અને ફાસ્ટ બોલરોની ઈજાના કારણે તેઓ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ચૂક્યા છે. આવતીકાલની મેચ ડુ પ્લેસીસ, તાહીર, અમલા, ડયુમિની અને મોરીસ સહિતના ખેલાડીઓ માટે કારકિર્દીની અંતિમ વર્લ્ડ કપ મેચ બની રહેશે તેમ મનાય છે. ત્યારે હેન્ડરિક્સ, માર્કરામ તેમજ વાન ડુસેન જેવા બેટસમેનો પાસે સિલેક્ટરો પર પ્રભાવ પાડવાની તક છે. 

ઓસ્ટ્રેલિયા  ફિન્ચ (કેપ્ટન), વોર્નર, ખ્વાજા, સ્મિથ, કૅરી (વિ.કી.), હેન્ડસ્કોમ્બ, મેક્સવેલ, કમિન્સ, નાઈલ, સ્ટાર્ક, બેહરેન્ડોફ, લાયન, કે.રિચાર્ડસન, સ્ટોઈનીસ, ઝામ્પા.

સાઉથ આફ્રિકા  ડુ પ્લેસીસ (કેપ્ટન), ડી કૉક, માર્કરામ, અમલા, ડેર ડુસેન, મીલર, મોરીસ, ફેહલુકવાયો, ડયુમિની, પ્રેટોરિઅસ, હેન્ડ્રિક્સ, રબાડા, એનગિડી, તાહીર, શમ્સી. 



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Jmv4qs
via Latest Gujarati News

Post a Comment

0 Comments