
મુંબઈ, તા. 4 જુલા 2019, ગુરુવાર
વિન્ડિઝના લેજન્ડરી બેટસમેન બ્રાયન લારાએ કબૂલાત કરી હતી કે, હાલના ક્રિકેટ વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી છે. દુનિયાના અન્ય ટોચના બેટ્સમેનો કરતાં કોહલી ક્યાંય આગળ છે અને બંનેની તુલના શક્ય નથી. કોહલીને રન મશીન ગણાવતા લારાએ ઊમેર્યું કે, કોહલી ભલે રનના ઢગલા ખડકતો હોય, પણ મારો ફેવરિટ બેટ્સમેન તો સચિન તેંડુલકર જ છે.
નવી મુંબઈની યુનિવર્સિટીએ લારાને માનદ ડોક્ટરેટની ઉપાધી પ્રદાન કરી હતી. લારાએ કહ્યું કે, કોહલીની સફળતાને નકારી શકાય નહી. રોહિત શર્માએ ભલે ચાર વર્લ્ડ કપ સદી ફટકારી. ઈંગ્લેન્ડના બેરસ્ટોએ પણ શાનદાર દેખાવ કરી બતાવ્યો છે, પણ જો ક્રિકેટના ત્રણેય ફોર્મેટમા સાતત્યભર્યો દેખાવ કરનારા બેટ્સમેનની પસંદગી કરવાની હોય તો સ્વાભાવિક રીતે કોહલીનું નામ લેવું પડે.
ભારતીય ક્રિકેટમાં તેંડુલકરના પ્રદાનની પ્રસંશા કરતાં લારાએ કહ્યું કે, ભારતીય બેટ્સમેનો આજે વિદેશની ભૂમિ પર સારો દેખાવ કરી રહ્યા છે, તેનો શ્રેય તેંડુલકરને જવો જોઈએ. તેણે જ ભારતીય બેટ્સમેનોને એવો આત્મવિશ્વાસ અપાવ્યો કે, વિદેશમાં પણ સારો દેખાવ કરી શકાય છે. તેંડુલકરે ક્રિકેટની રમત પર અમીટ છાપ છોડી છે. એક સમય હતો, જ્યારે ભારતીય બેટ્સમેનો વિદેશની ભૂમિ પર સારુ રમી શકતાં નહતા, પણ તેંડુલકર તેમાં અપવાદ હતો. આજે ભારતીય બેટસમેનો તમામ પીચો પર સારો દેખાવ કરી રહ્યા છે, તેનું કારણ એ છે કે, તેઓ તેંડુલકરની સફળતામાંથી શીખ્યા છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xrNalo
via Latest Gujarati News
0 Comments