
લોર્ડ્ઝ , તા. 6 જુલાઈ 2019, શનિવાર
વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયેલી બાંગ્લાદેશ સામેની ટીમના કેપ્ટન મોર્તઝાએ કહ્યું કે, કંગાળ ફિલ્ડિંગ અને નબળી બોલિંગને કારણે અમે વર્લ્ડ કપમાં પ્રભાવ પાડી ન શક્યા. ખાસ કરીને શરૂઆતની ૨૦ ઓવરમાં કંગાળ બોલિંગ બાંગ્લાદેશને ભારે પડી હતી. આઇસીસીના ક્રિકેટ મહાકુંભમાં બાંગ્લાદેશે આઠ કેચ પડતા મૂક્યા હતા.
પાકિસ્તાન સામેની હાર બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં મોર્તઝાએ કહ્યું કે, વર્લ્ડ કપમાં અમારી બોલિંગ ઉચ્ચ સ્તરની ના રહી. મારા સહિતના બોલરો શરૂઆતની ૨૦ ઓવરમાં હરિફ બેટ્સમેનો પર દબાણ સર્જવામાં નિષ્ફળ રહ્યા હતા. અમારે શરૂઆતમાં વિકેટો ઝડપવી જોઈતી હતી, પણ અમે તેમ કરી ન શક્યા. કેટલીક નિર્ણાયક પળોમાં અમને પડતા મૂકાયેલા કેચ ભારે પડયા. જ્યારે ફિલ્ડર કેચ ઝડપે ત્યારે બોલરનો ઉત્સાહ વધે. જ્યારે કેચ પડતો મૂકાય ત્યારે બોલર સહિત સમગ્ર ટીમના જુસ્સાને ફટકો પડતો હોય છે.
શાકીબ અને રહમાનનો લડાયક દેખાવ
બાંગ્લાદેશની ટીમ તરફથી શાકિબ અને ફાસ્ટ બોલર રહમાને અસરકારક દેખાવ કરી બતાવ્યો હતો. શાકીબે ઓલરાઉન્ડ દેખાવ કરતાં ૬૦૬ રન ફટકારવાી સાથે ૧૧ વિકેટ ઝડપી હતી. જ્યારે ફાસ્ટ બોલર રહમાને વર્લ્ડ કપમાં ૨૦ વિકેટ ઝડપીને પ્રભાવ પાડયો હતો. મોર્તઝાએ કહ્યું કે, અમારી ટીમ તરફથી શાકીબે એકલા હાથે જોરદાર સંઘર્ષ કર્યો પણ ટીમના અન્ય ખેલાડીઓ તેને સાથ આપી ન શક્યા. અમારી ટીમ શાકીબ સાથે ન્યાય કરી ન શકી હોય તેવું અમને અનુભવાયું છે. ભારત સામેની મેચમાં ભારે સંઘર્ષ બાદના પરાજય પછી મોર્તઝાએ નિરાશા વ્યક્ત કરતાં કહ્યું હતુ કે,અમારી પાસે રહમાન જેવા અન્ય બોલરો ન હોવાના કારણે અમે વિજય દેખાવ ન શકી શક્યા.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FXZcay
via Latest Gujarati News
0 Comments