પાકિસ્તાનને સેમિ ફાઈનલમાં પ્રવેશવા અણધારી ચમત્કારિક જીતની આશા


- ઈંગ્લેન્ડની સફળતાને પગલે ૧૯૯૨ની જેમ વર્લ્ડ કપમાં નાટકીય કમબૅક કરવાની પાકિસ્તાનની આશા લગભગ સમાપ્ત

નવી દિલ્હી, તા. 4 જુલાઈ 2019, ગુરુવાર

ઈંગ્લેન્ડે ભારત અને ન્યૂઝીલેન્ડ સામે મેળવેલા વિજયને કારણે પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયું છે. હવે આવતીકાલની બાંગ્લાદેશ સામેની મેચ પાકિસ્તાન માટે સેમિ ફાઈનલનો ઉકેલ માગતા કોયડા જેવી બની રહેશે. નકારાત્મક નેટરનરેટને કારણે બાંગ્લાદેશ સામેની જીત પણ પાકિસ્તાનને અંતિમ ચારમાં પહોંચાડી શકે તેમ નથી. કાગળ પરના ગાણિતીક સમીકરણોને કારણે પાકિસ્તાન વર્લ્ડ કપની સેમિ ફાઈનલની સ્પર્ધામાં હોય તેવું લાગી રહ્યું છે, પણ હકીકતમાં આવી પરિસ્થિતિની શક્યતા નહીવત્ છે.

જો બાંગ્લાદેશ ટોસ જીતીને બેટીંગ પસંદ કરશે તો મેચ શરૂ થયા પહેલા જ પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જશે. જો પાકિસ્તાનને પ્રથમ બેટીંગની તક મળે તો તેમણે સેમિ ફાઈનલમાં પ્રવેશવા બાંગ્લાદેશને ૩૦૦થી વધુના માર્જિનથી હરાવવું પડે તે સ્થિતિની સંભાવના દૂર સુધી દેખાતી નથી. ટૂંકમાં પાકિસ્તાન આવતીકાલે ટોસ ઉછળતા જ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાય છે કે, પછી તેમને થોડી ઓવરો માટે વર્લ્ડ કપમાં ટકી રહેવાનું આશ્ચાસન મળે છે, તે જોવાનું રહેશે.

બાંગ્લાદેશ સેમિ ફાઈનલની સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગયું છે આમ છતાં તેઓ જીત સાથે વર્લ્ડ કપને ગુડબાય કહેવાનો પ્રયાસ કરશે. લોર્ડ્ઝમાં આવતીકાલે ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૦૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. ન્યૂઝીલેન્ડ સેમિ ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરવાને આરે છે. હવે તેઓ આવતીકાલની મેચના ટોસ સાથે સેમિ ફાઈનલમાં પ્રવેશે છે કે, તેમને પણ થોડો ઈંતજાર કરવો પડે છે, તેના પર ચાહકોની નજર રહેશે. 

પાકિસ્તાનને ૧૯૯૨ની જેમ નાટકીય રીતે કમબૅક કરીને વર્લ્ડ કપ જીતવાની આશા હતી. જોકે ઘરઆંગણે રમી રહેલા ઈંગ્લેન્ડે ભારત અને ન્યૂઝીલેન્ડ જેવી ધરખમ ટીમોને હરાવતા પાકિસ્તાનને ટુર્નામેન્ટમાં બહારનો રસ્તો દેખાડયો હતો. હવે પાકિસ્તાન જો બાંગ્લાદેશ સામે જીતે તો પણ તેઓ સેમિ ફાઈનલમાંથી બહાર ફેંકાશે કારણ કે તેમને બાંગ્લાદેશને ૩૦૦થી વધુના માર્જિનથી હરાવવું પડે તેમ છે અને બાંગ્લાદેશની હાલની અનુભવી અને મજબુત ટીમ સામે આ પ્રકારનો વિજય શક્ય લાગતો નથી. 

સેમિ ફાઈનલ ભુલી જાવ, જીત સાથે વર્લ્ડ કપ પુરો કરો

વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશવાની પાકિસ્તાનની સંભાવના અત્યંત નહીવત્ છે. નેટરનરેટના અત્યંત જટિલ ગાણિતીક સમીકરણોને જોતાં પાકિસ્તાનના ક્રિકેટ જગતમાં એક મત એવો પણ વ્યક્ત થઈ રહ્યો છે કે, સરફરાઝ અને તેની ટીમે સેમિ ફાઈનલ ભૂલીને માત્ર જીત સાથે વર્લ્ડ કપ પુરો કરવાના લક્ષ્ય સાથે ઉતરવું જોઈએ. પાકિસ્તાનના ક્રિકેટર અઝહર અલીએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, સેમિ ફાઈનલમાં પહોંચવાનું તો અશક્ય લાગી રહ્યું છે, હવે જીત સાથે વર્લ્ડ કપ પુરો કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. પાકિસ્તાન વર્લ્ડ કપમાં સારુ રમ્યું છે, પણ દુર્ભાગ્યે તે બહાર ફેંકાયું છે.

જો પાકિસ્તાન ૩૦૮ રન કરે તો તેમણે બાંગ્લાદેશને ૦માં ઓલઆઉટ કરવું પડે !

નકારાત્મક રનરેટને કારણે પાકિસ્તાનને વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશવા માટે બાંગ્લાદેશ સામે અસાધારણ કહી શકાય તેવા મોટા માર્જિનથી જીત મેળવવી પડે તેમ છે. આઇસલેન્ડ ક્રિકેટના ટ્વિટર હેન્ડલ પર પાકિસ્તાનની સેમિ ફાઇનલની સંભાવનાનું એક રસપ્રદ સમીકરણ મુકવામાં આવ્યું છે. ટ્વીટમાં જણાવાયું છે કે, જો પાકિસ્તાનની પ્રથમ બેટીંગ આવે અને તેઓ ૩૦૮ રન કરે તો, તેમણે બાંગ્લાદેશને ૦માં ઓલઆઉટ કરી દેવું પડે. 

પાકિસ્તાનની પ્રથમ બેટીંગની સ્થિતિમાં સેમિ ફાઈનલના સમીકરણ...

પાકિસ્તાન:ઝમાન, ઈમામ, બાબર, આસિફ, શોએબ, હાફિઝ, સોહેલ, શદાબ, વસીમ, સરફરાઝ (કેપ્ટન,વિ.કી.), શાહીન, હસન, હસ્નાન, રિયાઝ, આમીર.

બાંગ્લાદેશ: તમીમ, સરકાર, રહમાન, મહમુદુલ્લાહ, સૈફુદ્દિન, એમ.હોસૈન, શાકિબ, મહેંદી હસન, એલ.દાસ, રહીમ, મિથુન, મોર્તઝા (કેપ્ટન), આર.હોસૈન, રહમાન, ઝાયેદ.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/308zmsj
via Latest Gujarati News

Post a Comment

0 Comments