રિટેલ મોંઘવારી દર સપ્ટેમ્બરમાં વધીને 3.99 ટકા, જથ્થાબંધ ફુગાવો ઘટીને 0.33 ટકા


નવી દિલ્હી, તા.14 ઓક્ટોબર, 2019, સોમવાર

ખાદ્ય પદાર્થોના ભાવમાં ઊછાળાના પગલે રીટેલ મોંઘવારી દર સપ્ટેમ્બરમાં વધીને 3.99 ટકા થયો હતો, જે ઓગસ્ટમાં 3.21 ટકા હતો જ્યારે ઓક્ટોબર 2018 પછી તે સર્વોચ્ચ સ્તરે છે.

જોકે, તે હજી પણ રીઝર્વ બેન્ક દ્વારા નિર્ધારિત ચાર ટકાની મર્યાદાની અંદર છે. સપ્ટેમ્બરમાં ખાદ્ય મોંઘવારી દર 5.11 ટકા થઈ ગયો, જે ઓગસ્ટમાં 2.99 ટકા હતો. 

બીજીબાજુ જથૃથાબંધ ફુગાવા પર આધારિત મોંઘવારી દર 0.33 ટકા રહ્યો, જે ત્રણ વર્ષના તળીયે છે. ઓગસ્ટમાં જથૃથાબંધ ફૂગાવો 1.08 ટકા હતો. કોમર્સ અને ઈન્ડસ્ટ્રી મંત્રાલય દ્વારા અપાયેલા હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સના આંકડા મુજબ વાર્ષિક આધાર પર પણ મોંઘવારીમાં ઘટાડાનું વલણ જોવા મળ્યું છે, કારણ કે 2018ના આ સમય દરમિયાન મોંઘવારી દર 5.22 ટકા સુધી વધ્યો હતો. અગાઉ જથૃથાબંધ ફુગાવો જૂન 2016માં તળીયે હતો. તે સમયે ફુગાવો નેગેટીવમાં 0.1 ટકા હતો.

દરમિયાન કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે કેન્દ્રની મોદી સરકારની મંદીને લઇને ટીકા કરી હતી અને યોગ્ય પગલા લેવાની સલાહ આપી હતી.  

પ્રભાકરના આ નિવેદનની ભારે ચર્ચા અને સરાહના પણ થઇ રહી છે કેમ કે પ્રભાકરના પત્ની નિર્મલા સિતારમન જ નાણા પ્રધાન છે. આંધ્ર પ્રદેશ સરકારના પૂર્વ સલાહકાર 60 વર્ષીય પરકલા પ્રભાકરે સત્તાધારી ભાજપની પણ ટીકા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષ નેહરૂવાદી આર્થિક વ્યવસ્થાની ટીકા કરતી આવી છે જોકે આ સત્તાધારી પક્ષ નેહરૂની આર્થિક વ્યવસ્થાનો કોઇ જ વિકલ્પ રજુ નથી કરી શકી.  તેઓએ એક લેખ લખ્યો હતો જેમાં આ ટીકા કરી હતી.

આ લેખમાં પ્રભાકરે વધુમા કહ્યું છે કે હાલ દેશમાં આર્થિક સ્થિતિ અતી ખરાબ છે, સરકાર ભલે આ વાતને નકારી રહી હોય પણ અર્થતંત્રને લઇને જે આંકડા સામે આવી રહ્યા છે તેનાથી ખ્યાલ આવી રહ્યો છે કે એક બાદ એક અનેક સેક્ટરો હાલ આર્થિક ભીસ અને સંકટનો સામનો કરી રહ્યા છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MGgeNg
via Latest Gujarati News

Post a Comment

0 Comments