
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 14 નવેમ્બર, 2019, ગુરૂવાર
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે રફાલ કેસની તપાસની માગ કરતી રીવ્યુ અરજી ફગાવવાની સાથે જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 'ચોકીદાર ચોર હૈ' નિવેદન મુદ્દે સુપ્રીમની અવમાનના કેસમાં પણ ચૂકાદો આપ્યો હતો.
કોર્ટે અવમાનના કેસમાં રાહુલ ગાંધીની ઝાટકણી કાઢી હતી. જોકે, કોર્ટે રાહુલ ગાંધીએ માગેલી માફી સ્વીકારીને તેમને રાહત આપતાં તેમની સામેનો કેસ બંધ કરી દીધો હતો. વધુમાં રાહુલ ગાંધીને ભવિષ્યમાં કોર્ટ સંબંિધત કેસોમાં રાજકીય ભાષણ આપવામાં સાવધાની રાખવા જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ રફાલ કેસના સંદર્ભમાં વડાપ્રધાન મોદીને 'ચોકીદાર ચોર હૈ' એમ કહેતાં આ વિવાદમાં સુપ્રીમ કોર્ટનું નામ ઘસડયું હતું અને દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન મોદીને ચોર ગણાવ્યા છે. સુપ્રીમના નિર્દેશો બાદ કોંગ્રેસના નેતા અને પ્રખ્યાત વકીલ અભિષેક મનુ-સિંઘવીએ ન્યાયતંત્રનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે અનેક વખત અમારા મોંમાંથી એવા શબ્દો નિકળી જાય છે, પરંતુ આશય અવમાનનાનો નથી હોતો.
રાહુલ ગાંધીના 'ચોકીદાર ચોર હૈ' નિવેદન મુદ્દે તેમાં સુપ્રીમ કોર્ટને ઘસડવા સામે વાંધો ઉઠાવતાં ભાજપ સાંસદ મિનાક્ષી લેખીએ કોંગ્રેસ નેતા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી કરી હતી.
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને ન્યાયાધીશ કે. એમ. જોસેફની બેન્ચે રાહુલ ગાંધી વિરૂદ્ધ અવમાનના કાર્યવાહી માટે પેન્ડિંગ આ કેસ પર 10મી મેના રોજ સુનાવણી પૂરી કરી હતી. ગુરૂવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, 'રાહુલ ગાંધીને ભવિષ્યમાં સંભાળીને બોલવાની જરૂર છે.' સુપ્રીમે રાહુલ ગાંધીને સલાહ આપી કે ભવિષ્યમાં કોર્ટ સંબંધિત કોઈપણ કેસમાં કોઈપણ પ્રકારનું રાજકીય ભાષણ આપવામાં સાવધાની રાખે.
રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા. તે સમયે તેમણે આ કેસમાં સુપ્રીમ કોર્ટની માફી માગી હતી. તેમણે બેન્ચને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબંધિત તેમની ટીપ્પણીમાં ખોટી રીતે સુપ્રીમ કોર્ટને ટાંકવામાં આવી હતી. આ માટે તેઓ કોર્ટની માફી માગે છે. રાહુલ ગાંધીએ આ કેસમાં કોઈપણ શરત વિના માફી માગી લીધી હતી.
સુપ્રીમ કોર્ટે 10મી એપ્રિલે સરકારના વાંધાઓને બાજુ પર મૂકીને રફાલ કેસમાં રીવ્યુ પીટીશન પર નવા દસ્તાવેજના આધારે સુનાવણીનો નિર્ણય કર્યો હતો. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી 3 સભ્યોની બેન્ચે એક મતથી આપેલા ચૂકાદામાં કહ્યું હતું કે નવા દસ્તાવેજ ડોમેનમાં આવ્યા છે,
તેના આધારે કેસમાં રિવ્યૂ પીટીશનની સુનાવણી થશે. ત્યાર પછી તત્કાલીન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ માની લીધું છે કે ચોકીદાર ચોર હૈ. રાહુલે કહ્યું હતું, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે ચોકીદારજીએ ચોરી કરાવી છે. સુપ્રીમ કોર્ટે કબૂલ્યું છે કે રફાલ કેસમાં કોઈ ને કોઈ ભ્રષ્ટાચાર થયો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Xebfbm
via Latest Gujarati News
0 Comments